નવી દિલ્હી: દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ અને ફરીદાબાદના આતંકી મોડીયૂલની તપાસ દરમિયાન હવે કાનપુરના કાર્ડિયોલોજી ઇન્સ્ટિટ્યૂટમાં MDની તૈયારી કરી રહેલા ડૉ. આરિફનું નામ સામે આવ્યું છે. ATSએ ડૉ. આરિફને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધો છે, કારણ કે તે આતંકી ડૉ. શાહીનનો ખુબ નજીકનો સાથીદાર હોવાનું બહાર આવ્યું છે.
ફરીદાબાદમાંથી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી મળ્યા બાદથી જ તપાસ એજન્સીઓ સતત ડૉ. શાહીનને પૂછપરછ કરી રહી છે. આ દરમિયાન ડૉ. આરિફનું નામ પણ ખુલ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, દિલ્હી બ્લાસ્ટના દિવસે પણ ડૉ. આરિફ, ડૉ. શાહીન અને તેના ભાઈ ડૉ. પરવેઝ સાથે સંપર્કમાં હતો.
માહિતી અનુસાર, ડૉ. શાહીન વર્ષ 2006થી 2013 સુધી કાનપુર મેડિકલ કોલેજમાં સેવા આપી ચૂકી છે. કાનપુર મેડિકલ કોલેજ અને હૃદયરોગ સંસ્થાન (કાર્ડિયોલોજી ઇન્સ્ટિટ્યૂટ) એક જ કેમ્પસમાં આવેલ છે. એવું માનવામાં આવે છે કે આ બંને એક જ સમયમાં ત્યાં રહેતા અને સાથે દેશવિરોધી પ્રવૃત્તિઓમાં જોડાયેલા હતા.
ડૉ. આરિફની અટકાયત બાદડૉ. શાહીનના નેટવર્કના અન્ય લોકોના નામો પણ સામે આવી શકે છે. પોલીસે શાહીનના મોબાઇલ ફોનમાંથી કેટલાક સંદેશાઓ મેળવ્યા છે જેમાં ડૉ. આરિફ સાથે SMS દ્વારા વાતચીતનો પુરાવો મળ્યો છે. હાલ કાર્ડિયોલોજી ઇન્સ્ટિટ્યૂટમાં જમ્મુ-કાશ્મીરથી આવેલા 7 વિદ્યાર્થીઓ DMની તૈયારી કરી રહ્યા છે.
ડૉ. આરિફ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ વિસ્તારનો રહેવાસી છે અને કાનપુરના અશોકનગર વિસ્તારમાં ભાડાના ફ્લેટમાં રહેતો હતો. દરમિયાન ATSએ તેને તેના ઘરેથી જ પકડી લીધો હતો. માહિતી અનુસાર, તે NEET-SS 2024 બેચનો વિદ્યાર્થી છે અને મંગળવારે બપોરની શિફ્ટમાં કામ કર્યા બાદ ઘરે ગયો હતો. એ જ સમયે ATSએ તેને કસ્ટડીમાં લીધો.

