Site icon Revoi.in

દિલ્હી બ્લાસ્ટ કેસઃ ફરિદાબાદની અલ-ફલાહ યુનિ. મામલે NAAC એ કર્યો ચોંકાવનારો ઘટસ્ફોટ

Social Share

નવી દિલ્હી: દિલ્હીના બ્લાસ્ટ કેસમાં નામ સામે આવ્યા બાદ ફરિદાબાદ સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટી ફરી એક વાર ચર્ચામાં આવી ગઈ છે. પરંતુ આ વખતે કારણ આતંકી કનેક્શન નહીં, પણ ફેક માન્યતા બતાવવાનો ગંભીર આરોપ છે. રાષ્ટ્રીય મૂલ્યાંકન અને માન્યતા પરિષદ (NAAC) દ્વારા યુનિવર્સિટીને શો-કૉઝ નોટિસ મોકલવામાં આવી છે, જેમાં તેને ખોટી માહિતી આપવા અને જનતાને ગેરમાર્ગે દોરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

NAAC દ્વારા જારી કરાયેલા નોટિસમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અલ-ફલાહ યુનિવર્સિટી પાસે NAACની કોઈ માન્યતા નથી અને તે દ્વારા Cycle-1 માટે પણ કોઈ અરજી કરવામાં આવી નથી. છતાંપણ યુનિવર્સિટીએ પોતાની સત્તાવાર વેબસાઇટ પર દાવો કર્યો છે કે તેની ત્રણ સંસ્થાઓને ‘A ગ્રેડ’ NAAC દ્વારા આપવામાં આવ્યો છે. NAAC (National Assessment and Accreditation Council) એ દેશની એવી સંસ્થા છે જે કૉલેજો અને યુનિવર્સિટીઓની ગુણવત્તાનું મૂલ્યાંકન કરે છે. કોઈ પણ સંસ્થાને મળતી NAAC ગ્રેડિંગ તેના શિક્ષણ, સંશોધન અને સુવિધાઓના સ્તરનું પ્રતિબિંબ આપે છે.

શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે કે, જો કોઈ યુનિવર્સિટી ખોટી માન્યતા બતાવીને વિદ્યાર્થીઓને એડમિશન માટે આકર્ષે છે, તો તે ઠગાઈ ગણાય છે. NAACએ આ મામલાને અતિ ગંભીરતાથી લીધો છે અને સંકેત આપ્યો છે કે, તપાસ બાદ યુનિવર્સિટી સામે કડક કાર્યવાહી થઈ શકે છે.

અલ-ફલાહ યુનિવર્સિટીનું નામ તાજેતરમાં દિલ્હીના બ્લાસ્ટ કેસ સાથે પણ જોડાયું છે. તપાસ એજન્સીઓ મુજબ, બ્લાસ્ટમાં મારેલો આરોપી ડૉ. ઉમર આ જ યુનિવર્સિટીમાં અસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત હતો. તેના આતંકી જોડાણો બહાર આવ્યા બાદથી જ યુનિવર્સિટી પર અનેક પ્રશ્નો ઊભા થયા હતા, અને હવે NAACની કાર્યવાહીથી સંસ્થાની પ્રતિષ્ઠાને વધુ મોટો ઝટકો લાગી શકે છે.