
નવી દિલ્હીઃ ભારતમાં પાકિસ્તાન માટે જાસુસી કરનારા આઈએસઆઈના વધુ એક એજન્ટને પોલીસે દિલ્હીમાંથી ઝડપી લીધો છે. આશ્ચર્યની વાત એ છે કે આ જાસૂસ એક હિન્દુ શરણાર્થી છે જે પાકિસ્તાનથી આવીને ભારતીય નાગરિકતા લઈ ચૂક્યો છે. આ શરણાર્થીની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાન ઈન્ટેલિજન્સે 46 વર્ષીય ભાગચંદની દિલ્હીથી ધરપકડ કરી હતી. આરોપીએ ત્રણ વર્ષ પહેલા ભારતીય નાગરિકતા લીધી હતી અને દિલ્હીમાં રહીને ટેક્સી ચલાવતો હતો. ઈન્ટેલિજન્સને માહિતી મળી હતી કે, આરોપી પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં છે અને દિલ્હીથી પાકિસ્તાનમાં મહત્વપૂર્ણ માહિતી મોકલી રહ્યો છે.
એડીજી ઈન્ટેલિજન્સ ઉમેશ મિશ્રાએ કહ્યું કે, તે પાકિસ્તાની હેન્ડલર્સના સંપર્કમાં હતો અને દિલ્હીમાં સંવેદનશીલ સ્થળો વિશે પાકિસ્તાનને માહિતી મોકલી રહ્યો હતો. 14 ઓગસ્ટના રોજ ભીલવાડામાંથી નારાયણ લાલ ગદરી નામના વ્યક્તિની જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી, જેના મોબાઈલ પરથી ખબર પડી હતી કે દિલ્હીની સંજય કોલોની ભાટી માઈન્સમાં રહેતો ભાગચંદ પણ તેની સાથે સામેલ હતો.
તેમણે કહ્યું કે, પાકિસ્તાની હેન્ડલર્સ પણ તેના ખાતામાં પૈસા નાખતા હતા. તે છેલ્લા ત્રણ વર્ષથી પાકિસ્તાન માટે જાસૂસી કરી રહ્યો હતો. ઓટો ચલાવતી વખતે તે દિલ્હીના અલગ-અલગ સ્થળોની તસવીરો લઈને પાકિસ્તાન મોકલતો હતો. આરોપી વર્ષ 1998માં તેના પરિવાર સાથે વિઝા પર ભારત આવ્યો હતો અને અહીં કામ કરવા લાગ્યો હતો. ત્રણ વર્ષ પહેલા તેને ભારતીય નાગરિકતા મળી હતી, ગુપ્તચર વિભાગની સંયુક્ત ટીમ જયપુરમાં તેની પૂછપરછ કરી રહી છે.