Site icon Revoi.in

ગુજરાતમાં ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓને સોલાર માટે 80 ટકા સબસિડી આપવા માગ

Social Share

અમદાવાદ:  ગુજરાત સરકાર સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે સબસિડી આપી રહી છે. ત્યારે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને સોલાર ઊર્જા માટે સબસિડીની કોઈ જોગવાઈ નથી. આથી રાજ્યની ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓએ સોલાર ઉર્જા માટે ગ્રાન્ટની માંગ કરી છે. શાળા સંચાલક મંડળની રજૂઆત છે કે, ગ્રાન્ટેડ શાળાઓને હાલ મળતી નિભાવ ગ્રાન્ટની વાર્ષિક રકમમાંથી 70% જેટલી રકમ વીજબીલો ચૂકવવામાં ખર્ચાઈ જતી હોય છે. સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલેશનનો 80 ટકા ખર્ચ રાજ્ય સરકાર આપે તેવી માંગ કરવામાં આવી છે. જે અંગે શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી છે.

રાજ્યના શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યુ હતું કે, ગુજરાતમાં કે.જી.થી ધો. 12 સુધી શાળાકીય શિક્ષણ આપતી સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શૈક્ષણિક સંસ્થાઓ કાર્યરત છે. રાજ્યમાં વીજ વપરાશ માટે બે પ્રકારના બિલ હોય છે. RGP રેસિડેન્સિયલ અને LTMD-2 કોમર્શિયલ. આ બે પ્રકારના બિલો માટે વીજદર પણ અલગ અલગ હોય છે. કોમર્શિયલ વીજદર વધુ હોય છે. શૈક્ષણિક સંસ્થાઓને કોમર્શિયલ વીજદર લાગુ પાડેલ છે. રેસિડેન્સિયલ અને કોમર્શિયલમાં બિલની કુલ રકમ ઉપર ગવર્મેન્ટની 15% ડ્યુટી લગાડવામાં આવે છે. આમ, 100/- રૂ. ના બિલ ઉપર 15% સરકારી વેરો ગણાતા 115/- રૂ. થાય છે. ગુજરાત સરકાર પણ ગુજરાતના નાગરિકો પોતાના મકાનો ઉપર, પોતાના ખેતરોમાં અને વ્યવસાયીગૃહો પર સોલાર સિસ્ટમ લગાવીને પોતાની જરૂરિયાત મુજબની વીજળી પેદા કરવા વિવિધ યોજનાઓ દ્વારા સોલાર સિસ્ટમને પ્રોત્સાહિત કરે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  રાજ્ય સરકારની વર્તમાન સૌર ઉર્જાના વિવિધ યોજનાઓમાં શૈક્ષણિક સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જેના કારણે સરકારી શાળાના લાઈટ બિલોના આંકડાનો અભ્યાસ કરવો જરૂરી છે. જ્યારે ગ્રાન્ટેડ શાળાઓને હાલ મળતી નિભાવ ગ્રાન્ટની વાર્ષિક રકમમાંથી 70% જેટલી રકમ વીજબીલો ચૂકવવામાં ખર્ચાઈ જતી હોય છે. સ્વનિર્ભર શાળાઓના કિસ્સાઓમાં પણ જ્યાં વાતાનુકુલિત વર્ગખંડો છે તેવી શાળાઓને બાદ કરીને સામાન્ય વીજ વપરાશવાળી સ્વનિર્ભર શાળાઓનાં બિલો વધુ આવતા હોય છે. ગુજરાત સરકારને અન્ય રાજ્યોની તુલનામાં રોલ મોડેલ થવા માટે પણ ગુજરાતની શાળાકીય શિક્ષણ આપતી સંસ્થાઓ પોતાના શાળા મકાનો ઉપર સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરે અને તે માટે રાજ્ય સરકાર ગુજરાતના નાગરિકોને સબસીડી આપે છે તે જ રીતે શાળાકીય શિક્ષણ આપતી સંસ્થાઓને પણ 80% +20% મુજબ રાજ્ય સરકાર 80% સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલેશનનો ખર્ચ ગ્રાન્ટેડ શાળાઓને તથા સરકારી શાળાઓને આપે તેવી રજૂઆત છે. તે જ રીતે રાજ્યની સ્વનિર્ભર શાળાઓ માટે પણ વિચારીને સહાય કરે તેવી પણ રજૂઆત છે.