Site icon Revoi.in

સરકારી તંત્રનો દાવો છતાં એલપીજી સિલિન્ડર માટે લાગતી લાંબી લાઈનો

Social Share

અમદાવાદ,12 માર્ચ 2026: Long queues for LPG cylinders  ખાડી યુદ્ધને લીધે પેટ્રોલિયમ પેદાશોની આયાત પર અસર પડતા ગેસની ખેંચ ઊભી થઈ છે. સરકારે કામર્શિયલ એલપીજી પર કાપ મુકીને ડોમેસ્ટિક સેવા જળવાઈ રહે તેવા પ્રયાસો શરૂ કર્યા છે. અને સરકારી તંત્રએ દાવો કર્યો છે કે, એલપીજી સિલિન્ડરની કોઈ તંગી નથી, અને જોઈએ ત્યારે મળશે. જોકે વડોદરા, સુરત સહિત અનેક શહેરોમાં એલપીજી સિલિન્ડર મેળવવા માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે.

વડોદરામાં આજે સતત બીજા દિવસે ગેસ એજન્સીની બહાર ગેસ લેવા માટે કતાર જોવા મળી હતી. વહીવટી તંત્ર દ્વારા પૂરતો જથ્થો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, ત્યારે ગેસ સિલિન્ડર મેળવવા માટે લોકો લાંબી લાઇનો લગાવી રહ્યા છે. જ્યારે સુરતમાં પણ ભર બપોરે ગેસ સિલિન્ડર મેળવવા માટે લાઈનો જોવા મળી હતી. તેમજ આણંદ જિલ્લાની એક શાળાએ મધ્યાહન ભોજન યોજના (PM પોષણ યોજના) ખોરવાય નહીં તે માટે અત્યારથી જ વહીવટી તંત્ર પાસે ગેસ સિલિન્ડરની માગ કરી છે.

ગુજરાત સરકાર પણ રાંઘણ ગેસના સિલિન્ડરની અછત ન સર્જાય તે માટે સજાગ બની છે. ગેસ એજન્સીઓ દ્વારા પણ વેઈટિંગલિસ્ટ મુજબ ગેસ સિલિન્ડરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ખાણીપીણી માટે જાણીતા સુરતમાં હાલ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે. છેલ્લા 4 દિવસથી ચાલતી તંગીને કારણે હજારો ફરસાણના વેપારીઓનો ધંધો ચોપટ થવાની આરે આવી ગયો છે. ગેસના અભાવે અનેક દુકાનોના ચૂલા ઠરી જવાની ભીતિ સેવાતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ઘરેલું ગેસ મેળવવા માટે લોકો એજન્સીઓના ધક્કા ખાઈ રહ્યા છે. વડોદરાની વિવિધ ગેસ એજન્સીઓ ઉપર સવારથી જ લોકોની લાઇનો લાગી રહી છે. વડોદરાવાસીઓ ગેસની અછત ઉભી થશે તેવી ધારણા સાથે ઘરમાં રહેલો બીજો સિલિન્ડર પણ ભરાવી રહ્યા છે. આણંદ જિલ્લાની આસોદર પ્રાથમિક કન્યા શાળાના આચાર્યે ગેસ એજન્સીને પત્ર લખીને જણાવ્યું છે કે, માર્ચ 2026થી શાળાના મધ્યાહન ભોજન માટે પુરવઠામાં 6 રાંધણગેસના સિલિન્ડરની ફાળવણી તાત્કાલિક ધોરણે કરવામાં આવે. પી.એમ. પોષણ યોજના અંતર્ગત બાળકોને આપવામાં આવતા ભોજનમાં ગેસની અછતને કારણે મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. ભવિષ્યમાં બાળકોનું ભોજન બંધ ન થાય તે માટે આ પૂર્વતૈયારીના ભાગરૂપે રજૂઆત કરાઈ છે.

Exit mobile version