1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટમાં નર્મદાના પાણીથી ડેમ તો ભરી દેવાયા છતાં પાણીની સમસ્યા, વોર્ડ નં.11ના લોકોએ કર્યો વિરોધ
રાજકોટમાં નર્મદાના પાણીથી ડેમ તો ભરી દેવાયા છતાં પાણીની સમસ્યા, વોર્ડ નં.11ના લોકોએ કર્યો વિરોધ

રાજકોટમાં નર્મદાના પાણીથી ડેમ તો ભરી દેવાયા છતાં પાણીની સમસ્યા, વોર્ડ નં.11ના લોકોએ કર્યો વિરોધ

0
Social Share

રાજકોટઃ શહેરના કેટલાક વિસ્તારોમાં ઉનાળાના પ્રારંભથી જ પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. જો કે, આજી-1 અને 2 તેમજ ન્યારી જળાશયોમાં પાણીનો પુરતો જથ્થો છે. પરંતુ પાણી વિતરણ વ્યવસ્થામાં ખામીને કારણે ઘણાબધા વિસ્તારોમાં પુરા ફોર્સથી પાણી મળતું નથી. જ્યારે ઘણા વિસ્તારોમાં તો ટેન્કરથી પાણી મળી રહ્યું છે. જેમાં વોર્ડ-11 અને આજુબાજુની સોસાયટીના લોકોએ પીવાના પાણીના પ્રશ્ને બનર્સ સાથે વિરોધ કર્યો હતો.

રાજકોટમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ  ઉનાળાની શરૂઆત થતાની સાથે જ  પાણીની સમસ્યા શરૂ થઈ છે. એક તરફ સૌની યોજના મારફત રાજકોટની જીવાદોરી સમાન ડેમો પાણીથી ભરી દેવામાં આવ્યા છે છતાં છતે પાણીએ રાજકોટમાં કેટલાક વિસ્તારોમાં પાણી વગર લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને ટેન્કર આધારિત જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે. શહેરમાં  કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાના મતવિસ્તારમાં પાણી આપો પાણી આપોના નારા સાથે વોર્ડ નંબર 11ની સિલ્વર ગોલ્ડ રેસીડેન્સીના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. તાજેતરમાં સૌની યોજના મારફત આજી અને ન્યારી ડેમ ભરી દેવામાં આવતા રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા જુલાઈ મહિના સુધી પાણીની કોઈપણ મુશ્કેલી નહીં પડે તેવા દાવાઓ કરવામાં આવ્યા હતા. જો કે ઉનાળાના પ્રારંભની સાથે જ કેટલાક વિસ્તારોમાં પાણીની પળોજણ જોવા મળી રહી છે અને મ્યુનિ.ના દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે. શહેરના  વોર્ડ નંબર 11માં પાણી આપો પાણી આપોનાં નારા સાથે સિલ્વર ગોલ્ડ રેસિડેન્સી અને નજીકની સોસાયટીનાં રહેવાસીઓએ સાથે મળી વિરોધ નોંધાવ્યો હતો.

રાજકોટના સિલ્વર ગોલ્ડ રેસિડેન્સીના રહિશોએ જણાવ્યું હતું કે, દર વર્ષે ઉનાળો આવે એટલે આ વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાઇ છે. મ્યુનિ.એ પાણી વેરો ડબલ કરી દીધો છે છતાં  પૂરતા ફોર્સથી પૂરતું પાણી અપાતું નથી.  ડિસેમ્બર મહિનાથી આ પ્રશ્ન છે અનેક વખત રજુઆત કરી છે છતાં અમારી રજૂઆતને સાંભળવામાં આવતી નથી.

સોસાયટીના મહિલાઓએ  જણાવ્યું હતું કે, મ્યુનિ.ના પાણી વિભાગના કર્મચારીઓની બેરકારીથી પાણી મળતું નથી. આગળ નવી સોસાયટી બને છે નવા ફ્લેટ બને છે ત્યાં પૂરતું પાણી આવે છે તો અહીંયા કેમ નહિ. ડેમ પાણીથી ભરેલા છે છતાં અમને પાણી કેમ નથી આપવામાં આવતું તે સૌથી મોટો સવાલ છે. અમારે અત્યારે 300 રૂપિયાના ટેન્કર એકાતરા મગાવી જીવન ચલાવવું પડે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પૂર્વે તમામ લોકોએ સાથે મળી મેયરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જો કે ત્યારે પણ રહેવાસીઓએને માત્ર આશ્વાસન આપવામાં આવ્યું હતું. ત્યારે હવે પાણી પ્રશ્ન હલ નહિ થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ રહેવાસીઓ દ્વારા ઉચ્ચારવામા આવી છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code