બેઇજિંગ, 23 ઓક્ટોબર 2026: ચીનના તિબેટ ક્ષેત્રમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો. ગુરુવારે સાંજે આવેલા 7ની તીવ્રતાના આ પ્રચંડ ભૂકંપને કારણે ઓછામાં ઓછા 16 લોકોનાં મોત થયાં છે અને 54 અન્ય લોકો ઘાયલ થયા છે. સેંકડો ઘરોને નુકસાન પહોંચ્યું છે અને ઉત્તરી શહેર નાગચુમાં તાત્કાલિક બચાવ કામગીરી ચાલી રહી છે.
7ની તીવ્રતાના આ ભૂકંપ બાદ, આસપાસના વિસ્તારોમાં 3થી 4ની તીવ્રતાના અનેક હળવા આંચકા પણ નોંધાયા હતા. જાન્યુઆરી 2024 પછી ચીનમાં આવેલો આ સૌથી શક્તિશાળી ભૂકંપ છે.
શહેરની મીડિયા કચેરીએ સ્થાનિક અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે ઓછામાં ઓછા ૩૩૯ મકાનો ધરાશાયી થયા છે. ઘાયલોમાંથી 11 લોકોની હાલત ગંભીર છે, જ્યારે 21 લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે.
પોલીસ અને અગ્નિશમન વિભાગના કર્મચારીઓ લોકોને બચાવવાના કામમાં તેમજ બેઘર થયેલા લોકો માટે કામચલાઉ આશ્રય પૂરો પાડવાના કામમાં રોકાયેલા છે. બચાવ ટુકડીઓ તંબુઓ પણ લગાવી રહી છે.
ભૂકંપનું કેન્દ્રબિંદુ તિબેટની રાજધાની લ્હાસાથી લગભગ 400 કિલોમીટર દૂર હતું. આ આંચકાઓને કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો.
ચાઈના અર્થક્વેક નેટવર્ક્સ સેન્ટર (CENC) અનુસાર, સ્થાનિક સમય મુજબ રાત્રે લગભગ 10:33 વાગ્યે 7.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ ઉત્તરી તિબેટના નાગકુ (Nagqu) વિસ્તારમાં, જમીનની સપાટીથી 10 કિલોમીટર નીચે હતું. આ વિસ્તાર સમુદ્ર સપાટીથી સરેરાશ લગભગ 4,864 મીટરની ઊંચાઈ પર આવેલો છે.
સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર, ભૂકંપના કેન્દ્રબિંદુ નજીકના એક ગામમાં બે લોકો ઘાયલ થયા હતા, જ્યારે આસપાસના ગામોમાં અનેક મકાનોમાં તિરાડો પડી ગઈ હતી. સ્થાનિક સરકારી મીડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા ફૂટેજમાં લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળીને ખુલ્લામાં અથવા રસ્તા પર પાર્ક કરેલી પોતાની કારની અંદર આશરો લેતા જોવા મળ્યા હતા.
વધુ વાંચો: પાવરપ્લેમાં અભિષેક-સેમસનનો ધમાકો, તોફાની બેટિંગથી બનાવ્યો મોટો રેકોર્ડ


