
શામળાજી મંદિરમાં ટુંકા વસ્ત્રો પહેરીને આવતા શ્રદ્ધાળુઓને નહીં અપાય પ્રવેશ
અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. જો કે, હવે ટુંકા વસ્ત્રો પહેરીને આવતા દર્શનાર્થીઓને મંદિરમાં પ્રવેશ નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટૂંકા વસ્ત્રો પહેરી આવતા શ્રદ્ધાળુઓને પિતામ્બર લપેટ્યા બાદ જ મંદિરમાં પ્રવેશ મળશે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના મહામારીમાં શામળાજી મંદિરમાં શ્રદ્ધાળુઓને સરકારની ગાઈડલાઈન અનુસાર દર્શન કરવા દેવાય છે. જો કે, હવે મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરી આવતા શ્રદ્ધાળુઓને મંદિરમાં પ્રવેશ નહિ મળે. ટ્રસ્ટ દ્વારા ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરમાં જવા ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. આ માટે મંદિરના બહાર એક બોર્ડ મૂકવામાં આવ્યું છે. ટ્રસ્ટે જણાવ્યું હતું કે, ટૂંકા વસ્ત્રો પહેરી આવતા ભક્તોને પિતામ્બર લપેટ્યા બાદ જ મંદિરમાં પ્રવેશ મળશે. તેમજ દર્શનાર્થીઓએ ફરજિયાત માસ્ક પહેરવું પડશે.