ડિજિટલ ઇન્ડિયાની ગગનચુંબી છલાંગ: એક મહિનામાં UPI ટ્રાન્ઝેક્શન 22 અબજને પાર
નવી દિલ્હી, 1 મે 2026: ભારતમાં ડિજિટલ પેમેન્ટ ક્રાંતિ અટકવાનું નામ નથી લઈ રહી. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, એપ્રિલ મહિનામાં યુપીઆઈ (યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ) દ્વારા થતા વ્યવહારોમાં વાર્ષિક ધોરણે 25 ટકાનો જંગી વધારો નોંધાયો છે. એપ્રિલમાં કુલ વ્યવહારોની સંખ્યા 22.35 અબજને પાર કરી ગઈ છે, જેનું કુલ મૂલ્ય 29.03 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે.
આંકડાકીય વિશ્લેષણ મુજબ, એપ્રિલ મહિનામાં દરરોજ સરેરાશ 74.5 કરોડ વ્યવહારો થયા હતા, જે માર્ચમાં 73 કરોડ હતા. તેવી જ રીતે, દૈનિક સરેરાશ વ્યવહારનું મૂલ્ય પણ વધીને 96,766 કરોડ રૂપિયા પર પહોંચ્યું છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે નાના વેપારીઓથી લઈને મોટા શોરૂમ સુધી હવે ડિજિટલ પેમેન્ટ લોકોની પ્રાથમિક પસંદગી બની ગયું છે. ભારતનું યુપીઆઈ હવે માત્ર દેશ પૂરતું મર્યાદિત નથી રહ્યું. હાલમાં સિંગાપોર, સંયુક્ત આરબ અમીરાત (યુએઆઈ), ભૂટાન, નેપાળ, શ્રીલંકા, ફ્રાન્સ, મોરેશિયસ અને કતાર સહિત 8 થી વધુ દેશોમાં યુપીઆઈ સેવા ઉપલબ્ધ છે. આ આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિને કારણે વિદેશથી આવતા રેમિટન્સ (નાણાં) મેળવવામાં અને નાણાકીય સર્વસમાવેશકતામાં મોટી મદદ મળી રહી છે.
નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 10 વર્ષમાં ભારતીય ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં ટ્રાન્ઝેક્શન વોલ્યુમમાં અંદાજે 12,000 ગણો વધારો થયો છે. વર્ષ 2016-17માં માત્ર 2 કરોડના વ્યવહારો થયાં હતા. જે વધીને વર્ષ 2025-26માં 24162 કરોડને પાર થઈ ગયા છે. વ્યવહારોનું કુલ મૂલ્ય 0.07 લાખ કરોડથી વધીને લગભગ 314 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, જે 4,000 ગણી વૃદ્ધિ દર્શાવે છે. યુપીઆઈની સાથે ઇમીડિયેટ પેમેન્ટ સર્વિસમાં પણ તેજી જોવા મળી છે. એપ્રિલમાં IMPS દ્વારા 36.2 કરોડ વ્યવહારો થયા હતા, જેનું કુલ મૂલ્ય 7.01 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. ગત વર્ષની સરખામણીએ આમાં 13 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.


