ભારતમાં ડિજિટલ ક્રાંતિ: UPI પેમેન્ટમાં રેકોર્ડબ્રેક તેજી, QR કોડની સંખ્યા વધી
મુંબઈ: ભારતમાં ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે એક નવી ક્રાંતિ જોવા મળી રહી છે. લોકો હવે રોકડ રકમને બદલે મોબાઈલ દ્વારા ચૂકવણી કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ‘વર્લ્ડલાઈન ઈન્ડિયા’ના તાજેતરના અહેવાલ મુજબ, દેશમાં સક્રિય યુપીઆઈ ક્યુઆર કોડની સંખ્યા વધીને 70.9 કરોડ થઈ ગઈ છે, જે ડિજિટલ ઈન્ડિયાની સફળતાની સાક્ષી પૂરે છે.
જુલાઈથી સપ્ટેમ્બર 2024ના ત્રિમાસિક ગાળામાં UPI દ્વારા થતી લેવડદેવડમાં ઐતિહાસિક વધારો નોંધાયો છે. આ સમયગાળામાં 59.33 અબજ ટ્રાન્ઝેક્શન થયા છે, જે ગયા વર્ષની સરખામણીએ 33.5 ટકા વધુ છે. આ વ્યવહારો દ્વારા કુલ 74.84 લાખ કરોડ રૂપિયાની લેવડદેવડ થઈ છે, જે પાછલા વર્ષ કરતા 21 ટકા વધારે છે.
જુલાઈ 2024 પછી QR કોડની સંખ્યામાં 21 ટકાનો વધારો થયો છે. હવે માત્ર મોટા મોલ જ નહીં, પરંતુ નાની કિરાણાની દુકાનો, મેડિકલ સ્ટોર્સ, બસ-રેલવે સ્ટેશન અને ગામડાંઓ સુધી ડિજિટલ પેમેન્ટ પહોંચી ગયું છે. રિપોર્ટ અનુસાર, વ્યક્તિગત લેવડદેવડ કરતા દુકાનદારોને થતા પેમેન્ટ (P2M – પર્સન ટુ મર્ચન્ટ)માં 35 ટકાનો વધારો થયો છે.
એક રસપ્રદ બાબત એ સામે આવી છે કે સરેરાશ ટ્રાન્ઝેક્શનની રકમ 1363 રૂપિયાથી ઘટીને 1262 રૂપિયા થઈ ગઈ છે. આ આંકડો સૂચવે છે કે લોકો હવે માત્ર મોટી રકમ માટે જ નહીં, પરંતુ શાકભાજી, ચા-નાસ્તો, દવાઓ અને મુસાફરી જેવી રોજિંદી નાની-મોટી જરૂરિયાતો માટે પણ UPI નો ઉપયોગ કરી રહ્યા છે.
ડિજિટલ પેમેન્ટની આદત બદલાતા કાર્ડના વપરાશ પર પણ અસર પડી છે. ડેબિટ કાર્ડના વપરાશમાં 22 ટકાનો ઘટાડો નોંધાયો છે, કારણ કે નાની રકમ માટે લોકો હવે કાર્ડ સ્વાઈપ કરવાને બદલે QR કોડ સ્કેન કરવાનું પસંદ કરે છે. બીજી તરફ, ક્રેડિટ કાર્ડ દ્વારા થતા વ્યવહારોમાં 26 ટકાનો વધારો થયો છે. દેશમાં પોઈન્ટ ઓફ સેલ મશીનોની સંખ્યા પણ 35 ટકા વધીને 1.21 કરોડ થઈ છે.
આગામી સમયમાં ડિજિટલ પેમેન્ટ વધુ સરળ બનશે. અહેવાલ મુજબ, 2026ની શરૂઆતમાં ‘ઇન્ટરઓપરેબલ QR કોડ’ સામાન્ય બની જશે. જેનાથી પેટ્રોલ પંપ, હોસ્પિટલ અને જાહેર સેવાઓમાં પેમેન્ટ કરવું વધુ સુદ્રઢ બનશે.


