
વઢવાણ અને ચુડા તાલુકાને જોડતા વસ્તડી ગામ પાસેનો ભોગાવા નદીનો પુલની જર્જરિત હાલત
સુરેન્દ્રનગરઃ વઢવાણ અને ચુડા તાલુકાને જોડતો વસ્તડી ગામ પાસેનો ભોગાવો નદી પરનો પુલ જર્જરિત બની ગયો છે. આ પુલ પરથી રોજબરોજ અનેક વાહનો પસાર થાય છે. ત્યારે અકસ્માત કે દુર્ધટના સર્જાય તે પહેલા આ અંગે તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે તેવી લોકમાગ ઊઠી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ વઢવાણ તાલુકાના વસ્તડી ગામ 10 હજારથી વધુ વસ્તી ધરાવે છે. આ ગામના પાદરમાંથી ભોગાવો નદી પસાર થાય છે. આ નદી પર વિશાળ પુલ બનાવાયો છે, જે વઢવાણ ચુડા તાલુકાને જોડે છે.અહીંથી સરકારી અને ખાનગી બસો સહિત અનેક વાહનો પસાર થાય છે. ચુડા, સુરેન્દ્રનગર વચ્ચે દર કલાકે ખાનગી બસો વાહનો પસાર થાય છે. આ પુલ ઠેરઠેર જર્જરિત બની ગયો છે. જેના કારણે હજારો વાહનો અને મુસાફરો પર જોખમ તોળાઇ રહ્યું છે.
આ અંગે વસ્તડીના ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ભોગાવો નદી પરનો આ પુલ અગાઉ બનતો હતો. ત્યારે દુર્ધટના સર્જાતા મોતના બનાવો બન્યા છે. આ પુલ વર્ષોથી ઊભો છે. પરંતુ ઠેરઠેર જર્જરિત છે. આ પુલ પર મોટા વાહનો ચાલે ત્યારે ધ્રુજારીનો અનુભવ પણ થાય છે. આથી કોઇ મોટી દુર્ધટના થાય તે પહેલા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે તે જરૂરી છે. આ પુલ પરથી ધારાભ્ય, જિલ્લા પંચાયત સદસ્યો વગરે પસાર થાય છે. ત્યારે તેઓ પણ જાગૃત બનીને તંત્રના કાન આમળે તેવી લાગણી માગણી છે.વઢવાણના વસ્તડી ગામે સામા કાંઠાના મેલડીમાં પ્રસિધ્ધ મંદિર હોવાથી હજારો યાત્રળુઓ પણ આવે છે. તેથી ગંભીરતા પારખી ઝડપી પગલા લેવામાંગ છે.