1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભારત-કેનેડા વચ્ચે કાલે સોમવારથી સીધી ફ્લાઈટ્સ, મુસાફરોએ નેગેટિવ ટેસ્ટનો રિપોર્ટ બતાવવો પડશે
ભારત-કેનેડા વચ્ચે કાલે સોમવારથી સીધી ફ્લાઈટ્સ, મુસાફરોએ નેગેટિવ ટેસ્ટનો રિપોર્ટ બતાવવો પડશે

ભારત-કેનેડા વચ્ચે કાલે સોમવારથી સીધી ફ્લાઈટ્સ, મુસાફરોએ નેગેટિવ ટેસ્ટનો રિપોર્ટ બતાવવો પડશે

0
Social Share

અમદાવાદઃ કેનેડામાં વસવાટ કરનારા ભારતીયોમાં સૌથી વધુ પંજાબ અને ગુજરાતીઓનો સમાવેશ થાય છે. ગુજરાતમાંથી ઘણાબધા વિદ્યાર્થીઓ દર વર્ષે ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જાય છે. પરંતુ કોરોનાને લીધે કેનેડાએ સીધી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મુક્યો હતો. તેથી કેનેડા જવા માગતા અને ત્યાંથી આવવા માગતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.હવે કેનેડાએ લગભગ પાંચ મહિના બાદ ભારતથી આવતી સીધી ફ્લાઈટ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. ભારતમાં કોરોનાની બીજી લહેરે ગંભીર રૂપ ધારણ કરતાં કેનેડાએ એપ્રિલ મહિનામાં સીધી ફ્લાઈટ પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે પ્રતિબંધ દૂર થતાં આવતીકાલ તા.27મીથી  એર કેનેડા બંને દેશો વચ્ચેની સીધી ફ્લાઈટ શરૂ થશે. આ તરફ ભારતની સરકારી કંપની એર ઈન્ડિયા 30 સપ્ટેમ્બરથી ફ્લાઈટ શરૂ કરી શકે છે. ટ્રાન્સપોર્ટ કેનેડાએ ટ્વિટ કરીને જાણકારી આપી છે કે, 27 સપ્ટેમ્બરથી ભારતથી આવનારી સીધી ફ્લાઈટ કેનેડામાં લેન્ડ કરી શકે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભારત અને કેનેડા વચ્ચે સીધી ફ્લાઈટ્સ આવતીકાલ તા. 27મી સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. જોકે કેનેડા જવા માંગતા મુસાફરોએ  ખાસ પ્રોટોકોલનું પાલન કરવું પડશે. જેમાં ભારતીય મુસાફરોએ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ સ્થિત જીનસ્ટ્રિંગ્સ લેબમાંથી કોવિડ-19 મોલિક્યુલર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ લાવવાનો રહેશે. આ ટેસ્ટ ઉડાણ ભરવાના 18 કલાકની અંદરનો હોવો જોઈએ. તેમજ બોર્ડિંગ પહેલા એર ઓપરેટર આ રિપોર્ટની તપાસ કરશે જેથી મુસાફર કેનેડા જવા માટે યોગ્ય છે કે નહીં તે નક્કી કરી શકે. જો મુસાફર અગાઉ કોરોનાથી સંક્રમિત થયો હોય તો તેણે સર્ટિફાઈડ લેબમાંથી મોલિક્યુલર ટેસ્ટનો પોઝિટિવ રિપોર્ટ બતાવાનો રહેશે. આ રિપોર્ટ 14થી 180 દિવસ જૂનો હોવો જોઈએ. રસીના બંને ડોઝ લેનારા મુસાફરોએ ArriveCAN મોબાઈલ એપ અથવા વેબસાઈટ પર આ અંગેની યોગ્ય માહિતી આપવાની રહેશે.જો કોઈ ભારતીય ઈનડાયરેક્ટ રૂટથી કેનેડા પહોંચવાનો હોય તો તેમણે ત્રીજા દેશમાં કરાવેલો કોવિડ-19નો નેગેટિવ રિપોર્ટ બતાવાનો રહેશે. આ રિપોર્ટ ડિપાર્ચરના 72 કલાકની અંદર કરાવેલો હોવો જોઈએ.

કેનેડા તરફથી જાહેર કરાયેલી સૂચનાઓમાં ચેતવણી આપવામાં આવી છે કે, આ શરતો ના માનનાર મુસાફરને એરલાઈન ફ્લાઈટમાં બેસાડવાનો ઈનકાર કરી શકે છે. દરમિયાન ઓટાવામાં ભારતના હાઈ કમિશનર અજય બિસારિયાએ આ નિર્ણયને આવકાર્યો છે. તેમણે કહ્યું કે, બંને દેશો વચ્ચે હવાઈ સેવા સામાન્ય કરવાની દિશામાં આ મોટું પગલું છે. ભારત કેનેડા સાથે મળીને ભારતીયોની મુસાફરીને વધુ સરળ બનાવાની દિશામાં કામ કરી રહ્યું છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code