1. Home
  2. ગુજરાતી
  3. સુદાનમાં હોનારત: નાઇલ નદીમાં હોડી પલટી જતાં 15નાં મોત
સુદાનમાં હોનારત: નાઇલ નદીમાં હોડી પલટી જતાં 15નાં મોત

સુદાનમાં હોનારત: નાઇલ નદીમાં હોડી પલટી જતાં 15નાં મોત

0
Social Share

ખાર્તુમ, 12 ફેબ્રુઆરી 2026: ઉત્તર સુદાનમાં એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. નાઇલ નદીમાં મુસાફરોથી ભરેલી એક હોડી પલટી જતાં ઓછામાં ઓછા 15 લોકોના કરુણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં હજુ પણ 4 લોકો લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે, જેમની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે.

સ્થાનિક સૂત્રો અને ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, આ હોડી નાઇલ નદીના પ્રાંતમાં ‘તૈબા અલ-ખવાદ’ અને ‘દેઇમ અલ-કરાઈ’ ગામો વચ્ચેથી પસાર થઈ રહી હતી. નાવમાં ક્ષમતા કરતા વધુ એટલે કે 27 થી વધુ મુસાફરો સવાર હતા, જેમાં મહિલાઓ, વૃદ્ધો અને બાળકોનો પણ સમાવેશ થાય છે. નદીના મધ્યભાગમાં અચાનક ઉછળેલા ઊંચા મોજાઓને કારણે હોડી સંતુલન ગુમાવી બેઠી હતી અને પલટી ગઈ હતી.

દુર્ઘટનાની જાણ થતાં જ સિવિલ ડિફેન્સ યુનિટની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, ત્યાં સુધીમાં 15 કમનસીબ મુસાફરો ડૂબી ગયા હતા. અધિકારીઓએ અત્યાર સુધીમાં 15 મૃતદેહો બહાર કાઢ્યા છે. તેમજ 8 લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત 4 લોકો હજુ પણ ગુમ છે, જેમને શોધવા માટે સ્થાનિકો અને સુરક્ષા દળો મથામણ કરી રહ્યા છે.

‘સૂદાન ડોક્ટર્સ નેટવર્ક’ દ્વારા આ ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. સંગઠને નદી પરિવહનની કથળતી વ્યવસ્થા અને સેફ્ટી સ્ટાન્ડર્ડ (સુરક્ષા માપદંડો) ના અભાવ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે વહીવટીતંત્ર પાસે અત્યાધુનિક રેસ્ક્યુ સાધનો અને ખાસ ટીમ તૈનાત કરવાની માંગ કરી છે જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો અટકાવી શકાય.

સુદાનમાં નાઇલ નદીના બંને કિનારાને જોડતા પુલોની સંખ્યા ખૂબ ઓછી છે. ખાસ કરીને ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં લોકો પરંપરાગત લાકડાની નાવડીઓ પર નિર્ભર રહે છે. પૂરની સિઝનમાં અને નદીમાં મોજા વધુ હોય ત્યારે આ લાકડાની નાવડીઓ જીવલેણ સાબિત થતી હોય છે. સિવિલ ડિફેન્સ દ્વારા અગાઉ પણ આવી જોખમી મુસાફરી ટાળવા ચેતવણી આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ મોડાસામાં શ્રી સોમનાથ મહાદેવ મંદિરે શિવરાત્રી મહોત્સવ અને ૭મો પાટોત્સવ ઉજવાશે

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code