Site icon Revoi.in

પાટણ નગરપાલિકામાં ભાજપના સભ્યોમાં ખટરાગ, મહિલા પ્રમુખે મુખ્યમંત્રીને ફરિયાદ કરી

Social Share

પાટણઃ ભાજપ શાસિત નગરપાલિકામાં ભાજપના સભ્યો વચ્ચે ટાંટિયાખેંચ ચાલી રહી છે. તેના કારણે વિકારના કામોમાં અવરોધ ઊભો થઈ રહ્યો છે. પાટણ નગરપાલિકાના પ્રમુખે પોતાના પક્ષ ભાજપના 6 કોર્પોરેટરને વિકાસ વિરોધી ગણાવીને તેમની સામે કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ભાજપના મહિલા પ્રમુખે આક્ષેપ કર્યા છે કે, ‘પક્ષના 6 નગરસેવકો વિકાસના કામમાં અડચણરૂપ થાય છે અને કોંગ્રેસના સભ્યો સાથે મળીને વિકાસના કામોને બહુમતિથી નામંજૂર કરાવે છે. જાહેર જનતાના હીતના કાર્યમાં પક્ષના લોકો રોડા નાંખે છે.

મળતી માહિતી મુજબ, પાટણ નગરપાલિકાના ભાજપ પ્રમુખ હિરલ પરમારે પોતાના જ પક્ષના 6 સભ્યો સામે ગંભીર આરોપો લગાવતા પાલિકાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વિકાસના કાર્યમાં પક્ષના લોકો વિક્ષેપ બની રહ્યા હોવાનો આક્ષેપ કરીને પ્રમુખે મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે અને યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી છે.

પાલિકાના પ્રમુખે આક્ષેપ કર્યા છે કે, ‘વર્ષ 2020થી મે પ્રમુખ પદ સંભાળ્યું ત્યારથી પક્ષના 6 નગરસેવકો પ્રજાલક્ષી વિકાસના કામોમાં અડચણરૂપ બનતા આવ્યા છે. જેમાં શૈલેષ પટેલ, મનોજ ખોડીદાસ પટેલ, મુકેશ પટેલ, મનોજ નગરભાઈ પટેલ, ડૉ. નરેશ દવે અને બીપીન પરમારનો સમાવેશ થાય છે.’ પ્રમુખે પક્ષના સભ્ય સામે આક્ષેપ કરવાની સાથે મુખ્યમંત્રીને જરૂરી પુરાવા પણ મોકલ્યા હોવાનું કહેવાય છે. મહિલા પ્રમુખે જણાવ્યું કે, ‘ગત 30 ઓક્ટોબર, 2025ના રોજ પ્રજાલક્ષી વિકાસની કામગીરીમાં આ સભ્યોએ કોંગ્રેસના 5 સભ્યોની મદદથી બહુમતિ સાથે નામંજૂર કર્યા હતા. પક્ષના સભ્યો રોડ-રસ્તા સહિતના વિકાસના કામોને મુલતવી કે નામંજૂર કરાવીને અવરોધરૂપ બને છે.’