ગુજરાતમાં SIR માટે 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ
- 81%થી વધુ ગણતરી ફોર્મનું ડિજીટાઈઝેશન સંપન્ન
- 89.61% ડિજીટાઈઝેશન સાથે ડાંગ જિલ્લો મોખરે
ગાંધીનગર, 28 નવેમ્બર, 2025ઃ SIR in Gujarat સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 4થી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરી(Chief electoral office)ની સમગ્ર ટીમ તમામ જિલ્લાઓના ચૂંટણી અધિકારી અને સ્ટાફ સાથે સંકલન સાધીને સમગ્ર પ્રક્રિયાને વેગવાન બનાવવા કાર્યરત છે.
2025ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. રાજ્યના 33 જિલ્લાઓ પૈકી મોટાભાગના જિલ્લાઓમાં 100% ફોર્મ વિતરણ સંપન્ન થયું છે. જ્યારે અમુક જિલ્લાઓમાં 100% વિતરણનું લક્ષ્ય હાંસલ થવામાં છે. આ ફોર્મ પૈકી પરત મળેલા ફોર્મને ડિજીટાઈઝેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
આ કામગીરીમાં 89.28 % ગણતરી ફોર્મના ડિજીટાઈઝેશન સાથે ડાંગ જિલ્લો મોખરે છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ કામગીરી પ્રગતિમાં છે.
ડિજીટાઈઝેશનમાં ટોપ-10 જિલ્લાઓની યાદી:
ક્રમ જિલ્લો ટકાવારી
1 ડાંગ 89.61
2 બનાસકાંઠા 84.99
3 સાબરકાંઠા 84.18
4 પંચમહાલ 82.67
5 પાટણ 82.25
6 મહીસાગર 81.13
7 જૂનાગઢ 80.30
8 છોટા ઉદેપુર 79.26
9 ખેડા 79.17
10 દાહોદ 79.01
ગણતરી દરમિયાન રાજ્યભરમાં 13.1 લાખથી વધુ અવસાન પામેલા મતદારો મતદાર યાદીમાં સામેલ હતા. જ્યારે 2.44 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા, સાથોસાથ 16 લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું છે. તદુપરાંત 2 લાખ જેટલા મતદારો રિપીટેડ હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
મતદારોની ગણતરીની સમગ્ર કામગીરીને સુપેરે પૂરી કરવામાં કાર્યરત ગુજરાતના તમામ BLOને CEO કચેરી દ્વારા અભિનંદન પાઠવવામાં આવે છે. સાથોસાથ BLOને કોઈપણ તકલીફ હોય તો સ્થાનિક કચેરીનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે.


