સાન ફ્રાન્સિસ્કોઃ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યએ દિવાળીને રાજ્યની સત્તાવાર રજા (સ્ટેટ હોલિડે) જાહેર કરી છે. આ નિર્ણય સાથે કેલિફોર્નિયા હવે પેન્સિલ્વેનિયા અને કનેક્ટિકટ પછી ત્રીજું એવું રાજ્ય બની ગયું છે, જેણે દિવાળીની ઉજવણીને રાજ્યસ્તરે માન્યતા આપી છે. કેલિફોર્નિયામાં મોટી સંખ્યામાં ભારતીય વસવાટ કરી રહ્યાં છે. કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસમે જાહેરાત કરી હતી કે, તેમણે એસેમ્બલી સભ્ય એશ કાલરાએ રજૂ કરેલા બિલ એબી 268 પર હસ્તાક્ષર કર્યા છે, જે દિવાળીને સત્તાવાર રજા તરીકે માન્યતા આપે છે. આ બિલ સપ્ટેમ્બર મહિનામાં બંને ગૃહોમાં સફળતાપૂર્વક પસાર થયું હતું, અને હવે ગવર્નરની અંતિમ મંજૂરી સાથે કાયદા રૂપે અમલમાં આવ્યું છે.
કેલિફોર્નિયામાં દસ લાખથી પણ વધુ ભારતીયો વસે છે, અને આ નિર્ણય પછી સમુદાયમાં ખુશીની લહેર દોડીને ગઈ છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે ટ્રમ્પ પ્રશાસન દ્વારા વિદેશી વસાહતીઓ સામે કડક નીતિઓ અપનાવવામાં આવી રહી છે. તે છતાં કેલિફોર્નિયાએ ભારતીય સંસ્કૃતિ અને વિવિધતાને માન આપતું આ ઐતિહાસિક પગલું ભર્યું છે. દિવાળીને સ્ટેટ હોલિડે જાહેર કરનાર સૌપ્રથમ પેન્સિલ્વેનિયા છે, ત્યારબાદ કનેક્ટિકટે પણ આ પરંપરા અપનાવી હતી. ન્યૂયોર્ક રાજ્યએ પણ દિવાળીના દિવસે પબ્લિક સ્કૂલોમાં રજા જાહેર કરી છે, જેથી વિદ્યાર્થીઓ પણ આ તહેવારને ઉજવી શકે.