Site icon Revoi.in

દિલ્હી બ્લાસ્ટ કેસના માસ્ટર માઈન્ડ મનાતા ડૉ. ઉમર નબી ચહેરો આવ્યો સામે

Social Share

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા કાર વિસ્ફોટ કેસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. તપાસમાં સ્પષ્ટ થયું છે કે આ કોઈ સામાન્ય અકસ્માત નહોતો, પરંતુ એક આત્મઘાતી હુમલો હતો અને તેનો માસ્ટરમાઈન્ડ એક ડૉક્ટર હતો. પોલીસે આરોપી ડૉ. ઉમર નબીની તસ્વીર જાહેર કરી હોવાનું જાણવા મળે છે.

દિલ્હી પોલીસે પ્રાથમિક તપાસમાં જણાવ્યું કે, કારમાં માત્ર ડો. ઉમર નબી જ હતો. તેણે જ સુસાઇડ બોમ્બ બનાવી વિસ્ફોટ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ ઉમરનો જન્મ 24 ફેબ્રુઆરી 1989ના રોજ થયો હતો અને તે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના કોયલ ગામનો રહેવાસી હતો. ઉમર ફરીદાબાદ સ્થિત અલ-ફલાહ મેડિકલ કોલેજમાં ડૉક્ટર તરીકે કાર્યરત હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે, વિસ્ફોટમાં વપરાયેલી હ્યુન્ડાઈ i20 કાર અગાઉ બે વાર વેચાઈ ચૂકી હતી અને 10 દિવસ પહેલા ફરીદાબાદના એક વ્યક્તિએ ઉમરને આપી હતી. આથી એ સ્પષ્ટ થયું છે કે આ હુમલામાં ફરીદાબાદ અને કાશ્મીરના આતંકી નેટવર્ક વચ્ચે ગાઢ સંબંધ છે.

ગુપ્તચર એજન્સીઓ અનુસાર, ઉમરનો સંબંધ ડૉ. આદિલ નામના વ્યક્તિ સાથે હતો. બંને ટેલિગ્રામ પર સક્રિય “કટ્ટરપંથી ડૉક્ટરોના ગ્રુપ”ના સભ્ય હતા, જે દેશભરમાં યુવાનોને ધાર્મિક ઉશ્કેરણી અને આતંકવાદી પ્રવૃત્તિઓ તરફ દોરી જવાનું કાર્ય કરતા હતા. ડૉ. ઉમરે શ્રીનગરના ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ (GMC)માંથી એમ.ડી. મેડિસિનમાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો. બાદમાં તે જી.એમ.સી. અનંતનાગમાં સિનિયર રેસિડન્ટ તરીકે જોડાયો હતો. કેટલાક વર્ષો પહેલા તે દિલ્હી શિફ્ટ થયો અને ફરીદાબાદના મેડિકલ કોલેજમાં જોડાયો હતો. એજન્સીઓના કહેવા મુજબ દિલ્હી આવ્યા પછી જ તે ઑનલાઇન કટ્ટરપંથી નેટવર્કના સંપર્કમાં આવ્યો હતો.

ફોરેન્સિક અને ઇન્ટેલિજન્સ ટીમો હાલ તપાસ કરી રહી છે કે, ઉમરે બોમ્બ ક્યાં અને કેવી રીતે તૈયાર કર્યો. એવું માનવામાં આવે છે કે ફરીદાબાદમાંથી મળેલા 2,900 કિલો વિસ્ફોટક સામગ્રી પણ એજ નેટવર્કનો ભાગ હતી, જેમાં ઉમર સામેલ હતો. આ સમગ્ર ઘટના બાદ દિલ્હી સહિત દેશભરમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે અને આતંકી મૉડ્યુલની પૂરી ચેઇન શોધી કાઢવા માટે કવાયત વધારે તેજ બનાવી છે.