- નિકાહમાં ભાગ લીધા બાદ યુવાનો કાર લઈને ખેડા હાઈવે પર નાસ્તો કરવા નિકળ્યા હતા
- કારનું ટાયર ફાટતા કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો
- પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી
અમદાવાદઃ હાઈવે પર અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે અસલાલી-જેતપુર હાઈવે પર જેતુર નજીક એક સ્કૂલ પાસે વહેલી સવારે પૂરફાટ ઝડપે જતી કારનું ટાયર ફાટતા કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેમાં કારચાલકનું મોત નિપજ્યુ હતું જ્યારે કારમાં સવાર ત્રણ યુવાનોને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના જૂહાપુરામાં નિકાહ સમારોહમાં હાજરી આપ્યા બાદ કેટલાક યુવાનો વહેલી સવારે નાસ્તો કરવા કાર લઈને હાઈવે પર ખેડા તરફ જઈ રહ્યા હતા. ત્યારે અસલાલી જેતપુર હાઈવે પર મારુતિ સ્વિફ્ટ ડીઝાયર કારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં કાર ચલાવી રહેલા 19 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતુ, જ્યારે અન્ય ત્રણ મિત્રોને ગંભીર ઈજાઓ થઈ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અકસ્માતની આ ઘટના વહેલી સવારે આશરે 6 વાગ્યાની આસપાસ બની હતી. યુવાનો બે કારમાં ખેડા હાઈવે હોટલ તરફ નાસ્તો કરવા માટે જઈ રહ્યા હતા. એક કારમાં સૈયદ મોહમ્મદ જૈન રીયાજુદ્દીન (ઉંમર 19) ડ્રાઇવિંગ કરી રહ્યા હતા બીજી કાર મારુતિ સ્વિફ્ટ ડીઝાયર આગળ ચાલી રહી હતી. જેમાં ડ્રાઇવર સીટની બાજુમાં સૈયદ મોહમદ આકીબ અને પાછળની સીટમાં અસારી સાતે તકમિલભાઈ તથા ફરિયાદી મહમદનઈમ અહમદમિયા મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માત અસલાલી સર્કલથી આગળ જેતલપુર બ્રીજ એમ.પી. પદયા સ્કૂલ પાસે થયો હતો. સ્વિફ્ટ કારના ચાલક સૈયદ મોહમ્મદ જૈન રીયાજુદ્દીન પૂરઝડપે અને ગફલતભરી રીતે કાર હંકારી રહ્યા હતા. આ દરમિયાન તેમની ગાડીનું ટાયર અચાનક ફાટતાં તેમણે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાબૂ ગુમાવતા જ કાર બાજુના સર્વિસ રોડ સાઈડની રેલીંગ સાથે જોરદાર ટકરાઈ, રેલીંગ તોડીને પલ્ટી ખાઈ ગઈ હતી. દરમિયાન સ્વિફ્ટ ગાડીની પાછળ આવી રહેલી કારમાં હાજર મિત્રો તરત જ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ચારેય ઘાયલ મિત્રોને કારમાંથી બહાર કાઢ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવી હતી. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક એલ.જી. હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ગંભીર અકસ્માતમાં કાર ચલાવનાર સૈયદ મોહમ્મદ જૈન રીયાજુદ્દીન (ઉંમર 19, રહે. શાહીન પાર્ક, વેજલપુર) ને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થવાથી ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.
અકસ્માતમાં અન્ય ત્રણ મિત્રોને પણ ઈજાઓ થઈ છે, જેમાં ફરિયાદી મહમદનઈમને છાતી, હાથના પંજા અને કમરના ભાગે, અસારી સાતે તકમિલભાઈને જમણા સાથળની નીચેના ભાગે ફેકચર તેમજ માથાના પાછળના ભાગે ઈજાઓ, અને સૈયદ મોહમદ આકીબને માથાના આગળના ભાગે નાની-મોટી ઈજાઓ થઈ છે.

