Site icon Revoi.in

કેશોદ હાઈવે પર વૃક્ષોને પાણી છાંટતા ટેન્કર પાછળ કાર ઘૂંસી જતા કારચાલકનું મોત

Social Share

જુનાગઢ, 16 જાન્યુઆરી 2026:   હાઈવે પર પૂરફાટ ઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે કેશોદ નેશનલ હાઈવે પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. કેશોદ નેશનલ હાઇ-વે પર ડિવાઈડરમાં વૃક્ષોને પાણી પાઈ રહેલા ટેન્કર સાથે પૂર ઝડપે આવેલી કાર ધડાકાભેર અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારચાલક યુવકનું ગંભીર ઈજાઓ થવાને કારણે મોત નીપજ્યું હતુ. આ બનાવની કરુણતા એ છે કે, મૃતક યુવકના ઘરે આવતા મહિને જ તેની ત્રણ બહેનોના લગ્ન લેવાયા હતા, તે પહેલા જ એકના એક ભાઈના મોતે પરિવાર પર આભ તૂટી પડ્યુ છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, કેશોદ હાઇ-વે પર ડિવાઈડરમાં આવેલા વૃક્ષોને પાણીનો છંટકાવ કરી રહેલા પાણીના ટેન્કર સાથે પાછળથી પૂરફાટ ઝડપે આવી રહેલી કાર ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, કારનો આગળનો ભાગ કચડાઈ ગયો હતો. અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 મારફત કારચાલક યુવકને હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલો કારચાલક યુવક કોડિનાર તાલુકાના વડનગરનો 28 વર્ષીય નિરવ રૂખડભાઈ સોલંકી હોવાનું જાણવા મળ્યું છે. નિરવ તેના પિતા સાથે સોમનાથ ખાતે ધાર્મિક વિધિ પતાવીને એકલો કાર લઈને જેતપુર ખાતે પોતાની ખાનગી નોકરી પર જઈ રહ્યો હતો. તે દરમિયાન કેશોદ પાસે અકસ્માત સર્જાયો હતો. આ બનાવની જાણ થતાં જ પિતા અને મિત્રો કેશોદ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. મૃતક નિરવના પરિવારમાં આવતા મહિને જ ખુશીઓનો પ્રસંગ હતો. નિરવની ત્રણ બહેનોના લગ્ન આવતા મહિને નિર્ધારિત હતા. એકાએક પુત્રના મોતના સમાચાર સાંભળી પિતા ભાંગી પડ્યા હતા. હોસ્પિટલ ખાતે પિતાએ ભારે હૈયે વલોપાત કરતા કહ્યું હતું કે, આવતા મહિને ત્રણ દીકરીઓના લગ્ન છે, હવે બહેનોના જવતલ કોણ હોમશે?” આ દૃશ્યો જોઈ ત્યાં હાજર સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી.​ હાલ કેશોદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત અંગે ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version