
દેવભૂમિ દ્વારકામાંથી કરોડોની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયોઃ એક આરોપીની ધરપકડ
અમદાવાદઃ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પાસેથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીની ટીમે હેરોઈન અને એમડી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી લીધો હતો. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય કિંમત લગભગ રૂ. 350 કરોડ જેટલી થતી હોવાનું જાણવા મળે છે. પોલીસે માદક દ્રવ્યોના જથ્થા સાથે એક આરોપીની પણ ધરપકડ કરીને આખા નેટવર્કનો પર્દાફાશ કરવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ રેકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે કવાયત શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ખંભાળિયાના આરાધના ધામ નજીકથી એલસીબી અને એસઓજીની ટીમે ચોક્કસ બાતમીના આધારે એક પરપ્રાંતિય પાસેથી 66 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે પક્કડસિંઘ નામના પરપ્રાંતિયની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે. 16 કિલો હેરોઈન અને 50 કિલો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. જેની કિંમત લગભગ 40 કરોડ જેટલી આંકવામાં આવી છેય જો કે, તેની આંતરરાષ્ટ્રીય કિંમત લગભગ રૂ. 350 કરોડથી વધારેની હોવાનું જાણવા મળે છે. આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને કોને આપવાનો તેની તપાસ પોલીસે શરૂ કરી છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં મોટા જથ્થામાં ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. મુદ્રામાંથી લગભગ 3 હજાર કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. હવે ખંભાળિયામાંથી કરોડોની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાતા પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે. તેમજ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે.
(PHOTO-FILE)