Site icon Revoi.in

માંડવી-ઝંખવાવ રોડ પર નશાબાજ કારચાલકે અકસ્માતોની હારમાળા સર્જી

Social Share

સુરતઃ  શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતના બનાવમાં એસઆરપીના જવાન કારચાલકે ત્રણ બાઈક, કાર અને શાકભાજી વેચનારાઓને અડફેટે લીધા હતા. જિલ્લાના માંડવી-ઝંખવાવ માર્ગ પર માલધા ફાટા નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જનારા એસઆરપી જવાનની કારમાંથી બિયરના ટીન મળી આવતા ચાલક દારૂના નશામાં હોવાનું કહેવાય છે. પોલીસે કારચાલકની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, જિલ્લાના માંડવી-ઝંખવાવ માર્ગ પર માલધા ફાટા નજીક એક અર્ટિગા કારે બેકાબૂ બનીને એક કાર, ત્રણ બાઈક અને એક શાકભાજી વેચનારને અડફેટે લીધા હતા. સદભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ અકસ્માત સર્જનાર કારમાંથી બિયરના ટીન મળી આવ્યા હતા. કારમાં પોલીસનું બોર્ડ હતું. અકસ્માત સર્જનાર બંને વ્યક્તિઓ SRP ગ્રુપ 10ના જવાનો હોવાનું બહાર આવતા માંડવી પોલીસે તેમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ  એક સફેદ રંગની અર્ટિગા કાર માંડવી-ઝંખવાવ માર્ગ પરથી પસાર થઈ રહી હતી. માલધા ફાટા નજીક પહોંચતા જ કાર ચાલકે કોઈક કારણોસર વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ બનેલી કાર સૌપ્રથમ એક અન્ય કાર સાથે અથડાઈ હતી, જેના કારણે તે કારને નોંધપાત્ર નુકસાન થયું હતું.  ત્યારબાદ, આ અર્ટિગા કારે રસ્તા પર ઊભેલી ત્રણ મોટરસાયકલને ટક્કર મારી હતી, જેના પરિણામે બાઈકને પણ મોટું નુકસાન થયું હતું. આટલેથી ન અટકતા, કારે રસ્તાના કિનારે શાકભાજી વેચી રહેલા એક ફેરીયાને પણ અડફેટે લીધા હતા, જેના કારણે તેમનો સામાન વેરવિખેર થઈ ગયો હતો અને તેમને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. સ્થાનિકો દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન, અકસ્માત સર્જનાર અર્ટિગા કારની તપાસ કરતા તેના ડેશબોર્ડ પરથી ‘પોલીસ’ લખેલું બોર્ડ મળી આવ્યું હતું. સ્થાનિકોએ તાત્કાલિક માંડવી પોલીસને જાણ કરી હતી. પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જ સામે આવ્યું કે, અર્ટિગા કારમાં સવાર બંને વ્યક્તિઓ ગુજરાત રાજ્ય રિઝર્વ પોલીસ (SRP) ગ્રુપ 10માં ફરજ બજાવતા જવાનો હતા.