 
                                    ગુજરાતમાં ચાલુ વર્ષે વધુ વરસાદના કારણે રસ્તા બિસ્માર બન્યાં : જગદીશ વિશ્વકર્મા
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના બે દિવસના સત્ર દરમિયાન બિસ્માર માર્ગોને લઈને કોંગ્રેસે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન રાજ્યના મંત્રીએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે વધુ વરસાદ પડતા રોડ-રસ્તાની હાલત બગડી છે પરંતુ અત્યાર સુધીમાં રૂ. 455 કરોડના ખર્ચે રસ્તા રિસરફેશ કરવામાં આવી રહ્યાં છે જ્યારે બાકીના માર્ગો આગામી દિવસમાં રિપેરિંગ કરી દેવામાં આવશે.

રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્માએ વિધાનસભામાં જણાવ્યું હતું કે, પહેલા કોન્ટ્રાક્ટરો રસ્તા બનાવીને છુટી જતા હતા. જો કે, કેટલાક નિયમમાં ફેરફાર કરીને કોન્ટ્રાક્ટરોની જવાબદારી નક્કી કરવામાં આવી છે. ચાર વર્ષ સુધી રસ્તાના સમારકામ કોન્ટ્રાક્ટર કરી આપે છે. હાઈવે ઉપર લાખોની સંખ્યામાં ટ્રકો દોડે છે. ટ્રકોમાં વધારે વજન ભરેલુ હોય તો પણ રસ્તાને નુકસાન થાય છે.
ચાલુ વર્ષે રાજ્યમાં વધારે વરસાદ વરસ્યો છે અને વધારે પાણી આવતા માર્ગો તુટી ગયા છે. તેમ પણ તેમમે જણાવીને કહ્યું કે, મોટાભાગના માર્ગોનું સમારકામ કરી દેવામાં આવ્યું છે અને બાકી રહી ગયેલા માર્ગોનું આગામી દિવસોમાં સમારકામ પૂર્ણ કરી દેવામાં આવશે. બીજી તરફ વિધાનસભામાં કોંગ્રેસે બિસ્માર માર્ગોના મામલે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારને ઘેરવાના પ્રયાસ કર્યાં હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં બિસ્માર માર્ગો અને રખડતા ઢોર મામલે હાઈકોર્ટે થોડા સમય પહેલા જ નારાજગી વ્યક્ત કરીને સરકારનો ઉઘડો લીધો હતો.
(ફોટો-ફાઈલ)
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

