અમદાવાદ, 23 ફેબ્રુઆરી 2026: હોળાષ્ટકનો આજે મધરાતથી પ્રારંભ થતાં જ હવે અઠવાડિયા સુધી એટલે કે, ફાગણ સુદ સાતમથી લઈને ફાગણ સુદ ચૌદશ સુધી કોઈ માંગલિક કાર્યો થઈ શકશે નહીં. ફાગણ સુદ સાતમથી લઈને ફાગણ સુદ પૂનમ સુધીના આ સમયગાળાને પ્રકૃતિના નિદર્શન અને તેના અવલોકન માટે રાખવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન પ્રકૃતિને લગતા અવલોકન અને તેમાં જોવા મળતા ફેરફારોનું નિદર્શન પણ થતું હોય છે. હવે ધૂળેટી બાદ માંગલિક કાર્યો કરી શકાશે.
ફાગણ સુદ સાતમથી એટલે કે, આજે સામવારે મધ્યરાત્રી બાદ હોળાષ્ટકનો પ્રારંભ થશે. મધ્યરાત્રીથી શરૂ થતા હોળાષ્ટકને કારણે આવનારા એક અઠવાડિયા દરમિયાન માંગલિક અને શુભ કાર્યો પર બ્રેક લાગશે. હિંદુ પંચાંગ અનુસાર ફાગણ સુદ સાતમથી લઈને ફાગણ સુદ ચૌદશ સુધી હોળાષ્ટકનો કાળ માનવામાં આવે છે. આ સમયગાળાને અસત્યના સમયગાળા સાથે પણ સનાતન ધર્મના ગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેને કારણે હોળાષ્ટકના સમય દરમિયાન તમામ પ્રકારના શુભ માંગલિક અને અન્ય કાર્યો હોળાષ્ટકમાં ન કરવાનું સૂચન ધર્મગ્રંથોમાં કરવામાં આવ્યું છે. હોલિકા દહન સુધીના આ સમયગાળામાં શુભ અને માંગલિક તેમજ અન્ય પ્રગતિકારક કાર્યો કરવામાં આવતા નથી. હિંદુ પંચાંગ અનુસાર ચાતુર્માસ આવતો હોય છે, આ સમય દરમિયાન લગ્ન, જનોઈ, વાસ્તુ, કોઈ નવી મિલકતની ખરીદી કે તેમાં ગૃહ પ્રવેશ, વ્યાપાર કે જીવનની પ્રગતિ સાથે જોડાયેલા શુભ કાર્યો પંચાંગ શુદ્ધિ જોઈને આપવામાં આવતા હોય છે. તેવી જ રીતે ફાગણ સુદ સાતમથી લઈને ફાગણ સુદ ચૌદશનો સમય ગાળો પણ જોવામાં આવે છે. જેને કારણે હોળાષ્ટકમાં તમામ શુભ કાર્યો પર પ્રતિબંધ લગાવવામાં આવતો હોય છે.
ચંદ્ર માસમાં આવતા ચાર ચરણોને પણ ખૂબ જ મહત્વના માનવામાં આવે છે. ખગોળ હવામાન ઋતુ વિજ્ઞાન અને જ્યોતિષની સાથે કૃષિ ઉપજની ક્ષય તેમજ વૃદ્ધિને પણ આ સમય દરમિયાન મહત્વના માનવામાં આવે છે. જેમાં પ્રથમ ચરણમાં શુભ એકમથી સુદ આઠમના પૂર્વાર્ધના સમયને મહત્વનો માનવામાં આવે છે. બીજા ચરણમાં સુદ આઠમના ઉત્તરાર્ધથી લઈને પૂનમ સુધીનો સમય મહત્વનો માનવામાં આવે છે. ત્રીજું ચરણ વદ એકમથી લઈને વદ આઠમના પુર્વાર્ધ સુધીના સમયને નિર્ધારિત કરાયો છે અને ચંદ્ર માસનું ચોથું ચરણ આઠમના ઉત્તરાર્ધથી અમાસની સમાપ્તિ સુધી હોય છે.

