
જંગલમાં મચ્છરોના ઉપદ્રવને લીધે નેશનલ હાઈવે પર રાત્રે સિંહ પરિવાર આટાંફેરા મારી રહ્યા છે
અમરેલીઃ સૌરાષ્ટ્રમાં હાલ વરસાદી માહોલ છે. જેમાં ગીરના જંગલ તેમજ રેવન્યુ વિસ્તારોમાં મચ્છરોનો ત્રાસ વનરાજો પણ સહન કરી શકતા નથી. જેથી રાતના સમયે વનરાજો પરિવાર સાથે નેશનલ હાઈવે પર આટાંફેરા મારતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ભાવનગર-સોમનાથ હાઈવે તેમજ અમરેલી-સાવરકૂંડલા હાઈવે પર રાતના સમયે સિહ પરિવાર ટહેલતા જોવા મળી રહ્યા છે.
અમરેલી જિલ્લામાં સિંહની વસતીમાં વધારો થયો છે. જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં પણ સિહ પરિવાર સાથે પોતાનું રહેઠાણ બનાવી રહ્યા છે. હાલ અમરેલી જિલ્લામાં સતત વરસાદી માહોલના કારણે વાડી- સીમ રેવન્યુ વિસ્તારમાં જીણી જીણી જીવાતો અને મચ્છરોનો ઉપદ્ર વધતા સિંહો ખુલ્લા વાતાવરણમાં હાઇવે ઉપર આવી ચડવાની ઘટનાઓ વધી રહી છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર ફરીવાર સિંહો આવી ચડ્યા હતા. જાફરાબાદ તાલુકાના કાગવદર મીઠાપુર ગામ વચ્ચે સિંહબાળ સાથે હાઇવે પર જોવા મળ્યા હતા. આ રીતે સિંહો વારંવાર હાઇવે લટાર મારતા અને ક્રોસ કરતા જોવા મળી રહ્યા છે આવા વીડિયો સોશ્યલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યા છે. જોકે વન વિભાગ દ્વારા પણ તકેદારી રાખવામાં આવી રહી છે.
આ ઉપરાંત સાવરકુંડલા અમરેલી હાઇવે ઉપર મોડી રાતે 3 જેટલા સિંહો રોડ ક્રોસ કરતા જોવા મળ્યા હતા, જેમાં એક બાઇક ચાલક સામે ઉભો રહ્યો હતો અને કાર ચાલક પોતાની કાર ઉભી રાખી વીડિયો ઉતાર્યો હતો. અહીં પણ જોખમી રીતે સિંહ ક્રોસ થતા સિંહોની સુરક્ષા સામે સવાલો ઉઠી રહ્યા છે. અમરેલી જિલ્લામાં રાજુલા જાફરાબાદ પીપાવાવ સાવરકુંડલા ખાંભા વિસ્તારમાં ભૂતકાળમાં સિંહો દીપડાના અજાણ્યા વાહનની હડફેટે આવીને મોતને ભેટ્યા હતા. હાલ વરસાદી માહોલ વચ્ચે સિંહો હાઇવે ઉપર અવર જવર વધી રહી છે જેના કારણે સિંહપ્રેમીઓમાં વધુ ચિંતા જોવા મળી રહી છે.