in , ,

દુતી ચંદ સમલૈંગિક હોવાનું સ્વીકારનારી ભારતની પહેલી મહિલા એથ્લીટ

નવી દિલ્હી: ભારતની ગોલ્ડન ગર્લ અને 100 મીટરમાં રાષ્ટ્રીય રેકોર્ડ હોલ્ડર એથ્લીટ દુતીચંદે સનસનાટીપૂર્ણ ખુલાસો કર્યો છે. 2018માં એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ વિજેતા દુતી ચંદે સ્વીકાર્યું છે કે તે સમલૈંગિક સંબંધો ધરાવે છે. જાહેરમાં આવા પ્રકારની વાતનો સ્વીકાર કરનારી દુતી ચંદ ભારતની પહેલી એથ્લીટ છે.

ધ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યૂમાં દુતી ચંદે કહ્યું છે કે તે પોતાના ગૃહનગર ચાકા ગોપાલપુર (ઓડિશા)ની એક યુવતી સાથે સંબંધો ધરાવે છે. જો કે દુતીએ પોતાના પાર્ટનર સંદર્ભે વાત કરવાનો ઈન્કાર કર્યો છે. તે ઈચ્છતી નથી કે તેની પાર્ટનર કારણ વગર લોકોની નજરોમાં આવે.

દુતી ચંદે કહ્યું છે કે મને એવું કોઈ મળ્યું છે, જે મારું જીવનસાથી છે. હું માનું છું કે દરેકને આ વાતને આઝાદી હોવી જોઈએ કે તે કોની સાથે જીવન વિતાવવા માંગે છે. હું હંમેશા એવા લોકોની તરફેણમાં અવાજ ઉઠાવતી રહી છું કે જે સમલૈંગિક સંબંધોમાં રહેવા ઈચ્છે છે. આ કોઈની અંગત પસંદગી છે. મારું ધ્યાન હાલ વર્લ્ડ ચેમ્પિયનશિપ અને ઓલિમ્પિક ગેમ્સ પર છે. પરંતુ હું ભવિષ્યમાં તેની સાથે (પોતાના ગૃહનગરની યુવતી) સાથે જીવન વિતાવવા ચાહું છું.

23 વર્ષીય દુતી ચંદે કલમ-377 પર પણ વાત કરી છે. દુતીએ કહ્યું છે કે ગત વર્ષ સમલૈંગિકતા પર આવેલા સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદથી જ મારી અંદર આ સંબંધોને જાહેર કરવાની હિંમત આવી છે. કોઈને પણ મને જજ કરવાનો અધિકાર નથી. આ મારી અંગત પસંદ છે. આનું સમ્માન કરવું જોઈએ. હું દેશ માટે ચંદ્રક જીતવાની કોશિશ ચાલુ રાખીશ.

દુતી ચંદે કહ્યું છે કે હું ગત 10 વર્ષ સુધી રનર રહી છું અને આગામી પાંચથી સાત વર્ષ સુધી દોડતી રહીશ. હું પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે આખી દુનિયા ફરું છું. આ આસાન નથી. મને કોઈનો સહારો પણ જોઈએ.

2014માં કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન તેને આંતરરાષ્ટ્રીય એથલેટિક્સ મહાસંઘની હાઈપરએન્ડોજેનિસ્મ પોલિસી હેઠળ પુરુષ હોર્મોન ટેસ્ટોટેરોનનું વધારે પ્રમાણ મળવાને કારણે સસ્પેન્ડ કરવામાં આવી હતી.

જણાવવામાં આવે છે કે દુતી ચંદના શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ કોઈપણ મહિલા એથ્લીટમાં માન્ય પ્રમાણ કરતા વધારે છે. તેણે સ્વિટ્ઝરલેન્ડ ખાતે સીએએસમાં પોતાનો કેસ લડયો અને સીએએસએ તેને પોતાની કારકિર્દી ચાલુ રાખવાની મંજૂરી આપી છે. પરંતુ તે વખતે દુતી ચંદની તાલીમ પર ઊંડી અસર પડી હતી. પરંતુ આ ઝુઝારું ખેલાડી એક વર્ષની અંદર પોતાનું દમખમ સાબિત કરી શકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7મો તબક્કો: 5 વાગ્યા સુધીમાં 54% વોટિંગ, પ.બંગાળમાં આચારસંહિતા લાગુ રહેવા સુધી કેન્દ્રીય દળોની તેનાતીની માગણી, પંજાબમાં કોંગ્રેસના કાર્યકર્તાની હત્યા

અમદાવાદ: 4 દીકરીઓનો આરંગેત્રમ દીક્ષા સમારોહ યોજાયો, મુખ્ય મહેમાન તરીકે સ્વામી આધ્યાત્મનંદજી અને બિજોય આનંદ રહ્યા હાજર