ઈસ્લામાબાદ, 9 ઓક્ટોબર 2026: પાકિસ્તાનમાં આર્થિક સ્થિતિ દિન-પ્રતિદિન વધુ ગંભીર બની રહી છે. વર્લ્ડ બેંકના તાજેતરના રિપોર્ટમાં સનસનાટીભર્યો ખુલાસો થયો છે કે પાકિસ્તાનમાં હવે દર બીજો શખ્સ ગરીબી રેખાની નીચે જીવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર, દેશના 48 ટકા લોકો દૈનિક 3 ડોલરથી પણ ઓછું કમાય છે, જે પાકિસ્તાનમાં ગરીબી રેખા નક્કી કરવાનું માપદંડ છે. વર્ષ 2025માં પાકિસ્તાનમાં ગરીબી રેખા નીચે જીવતા લોકોનું પ્રમાણ અંદાજે 44 ટકા હતું, જેમાં ગત એક જ વર્ષની અંદર 4 ટકા જેટલો મોટો ઉછાળો નોંધાયો છે. પાકિસ્તાન સરકાર એક તરફ ગરીબી નાબૂદી અને વિદેશી રોકાણ લાવવાના મોટા દાવો કરી રહી છે, ત્યારે બીજી તરફ આ આંકડાઓએ દેશની આર્થિક કટોકટીની વાસ્તવિકતા ખુલ્લી પાડી દીધી છે.
વર્લ્ડ બેંકના પૃથ્થકરણ મુજબ, કોરોના મહામારી બાદ પાકિસ્તાનનું અર્થતંત્ર રિકવર થઈ શક્યું નહોતું. ત્યાં જ વિધ્વંસક પૂરે દેશના કૃષિ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. પાકિસ્તાનના બલૂચિસ્તાન, ખૈબર પખ્તુનખ્વા અને પાક અધિકૃત કાશ્મીર જેવા વિસ્તારો લાંબા સમયથી અશાંત રહેતા આર્થિક પ્રવૃત્તિઓ ઠપ્પ થઈ ગઈ છે. રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે પાકિસ્તાની કંપનીઓ પ્રોડક્શન અને નવા ઇનોવેશન પર પૂરતું ધ્યાન આપી રહી નથી. વર્લ્ડ બેંક મુજબ, વર્ષ 2018-19થી 2024-25 વચ્ચે પાકિસ્તાનમાં ગરીબી દરમાં 6.4 ટકાનો વધારો થયો છે. ગરીબીની દ્રષ્ટિએ પાકિસ્તાન હવે વિશ્વમાં બીજા ક્રમે આવી ગયું છે.
-
મોંઘવારી વધતાં પરિવારના દૈનિક ખર્ચમાં ઉછાળો
બીજી તરફ, પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ અનુસાર સામાન્ય નાગરિકોના ખર્ચમાં પણ મોટો વધારો થયો છે. પાકિસ્તાનમાં એક સરેરાશ પરિવાર (જેમાં 6 સભ્યો હોય છે) રહેવા અને ખાવા-પીવા પાછળ રોજના 9 ડોલર ખર્ચ કરે છે. આ હિસાબે વ્યક્તિદીઠ દૈનિક ખર્ચ 1.5 ડોલર થઈ ગયો છે, જે અગાઉ 1 ડોલર આસપાસ હતો. મોંઘવારીનું પ્રમાણ એ હદે વધી ગયું છે કે તાજેતરમાં પાકિસ્તાનની સેન્ટ્રલ બેંકે 10 રૂપિયાની ચલણી નોટને સિક્કામાં બદલવાનો નિર્ણય લેવો પડ્યો હતો, કારણ કે દેશમાં હવે 10 રૂપિયાથી ઓછી કિંમતની કોઈ વસ્તુ ઉપલબ્ધ જ નથી.


