રાજકોટ, 22 નવેમ્બર,2026 : Hit and run near Paddhari on Rajkot-Jamnagar highway ટ્રાફિકથી વ્યસ્ત ગણાતા રાજકોટ-જામનગર નેશનલ હાઈવે પર હીટ એન્ડ રનના બનાવમાં બાઈકચાલક શિક્ષકનું મોત નિપજ્યું હતું. પડધરીની શાળામાં લેક્ચર લઈ બાઈક પર પરત રાજકોટ આવતા શિક્ષકનું ટ્રક હડફેટે મોત નીપજ્યું હતુ. અકસ્માત બાદ ટ્રક સાથે ચાલક નાસી ગયો હતો. આ બનાવ અંગે જાણ થતા પડધરી પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, રાજકોટના રહેવાસી 52 વર્ષીય જયેશભાઈ હસમુખભાઈ જોષી પડધરીની શાળામાં લેક્ચર લઈ બાઈક પર સાંજે ચાર વાગ્યા આસપાસ પરત ફરી રહ્યા હતા ત્યારે ખંઢેરી સ્ટેડિયમ નજીક મયંક કારખાના પાસે અજાણ્યા ટ્રક સાથે અકસ્માત થતા તેમને માથામાં અને શરીરે ગંભીર ઇજા થતા બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અહીં ઈમરજન્સી વિભાગમાં ફરજ પરના ડોક્ટરે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવવાની જાણ થતા પડધરી પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પડધરી પોલીસના કહેવા મુજબ જયેશભાઈ જોષી રાજકોટ અને પડધરીની ખાનગી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. સવારે તેઓ રાજકોટની સ્કૂલમાં લેક્ચર લેવા ગયા હતા ત્યારબાદ બપોરે પડધરી ખાતેની સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે ગયા હતા. તેઓ પડધરીથી પરત રાજકોટ બાઈક લઈને આવતા હતા ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે બાઈક સહિત જયેશભાઈને અડફેટે લઇ ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો. આ બનાવમાં પોલીસે ટ્રકચાલકની શોધખોળ શરૂ કરી છે.








