1. Home
  2. ગુજરાતી
  3. ભારતમાલા કૌભાંડમાં EDની કાર્યવાહી: રાયપુર અને મહાસમુંદમાં દરોડા
ભારતમાલા કૌભાંડમાં EDની કાર્યવાહી: રાયપુર અને મહાસમુંદમાં દરોડા

ભારતમાલા કૌભાંડમાં EDની કાર્યવાહી: રાયપુર અને મહાસમુંદમાં દરોડા

0
Social Share

રાયપુર, 29 ડિસેમ્બર 2026 : છત્તીસગઢમાં ભારતમાલા પરિયોજના હેઠળ નિર્મિત રાયપુર-વિશાખાપટ્ટનમ ઈકોનોમિક કોરિડોરમાં જમીન સંપાદન વળતર મામલે થયેલી કથિત ગેરરીતિની તપાસ તેજ બની છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સોમવારે રાયપુર અને મહાસમુંદ જિલ્લામાં કુલ 9 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં જમીન માફિયાઓ, સરકારી અધિકારીઓ અને વચેટિયાઓના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે.

ભારતમાલા પરિયોજના એ ભારત સરકારનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે, જેનો ઉદ્દેશ્ય દેશના 550 જિલ્લા મથકોને 4-લેન હાઈવેથી જોડવાનો અને માલસામાનની હેરફેરને વેગ આપવાનો છે. જોકે, રાયપુર અને મહાસમુંદના પટ્ટામાં જમીન સંપાદન દરમિયાન વળતર ચૂકવણીમાં મોટાપાયે ગોટાળા સામે આવ્યા છે.

આ પણ વાંચોઃ PM મોદીએ મુખ્ય સચિવો સાથેની બેઠકમાં આત્મનિર્ભરતા-ગવર્નન્સ સુધારા પર મૂક્યો ભાર

તપાસમાં બહાર આવ્યું છે કે, એસડીએમ, પટવારી અને જમીન માફિયાઓની મિલીભગતથી જમીનના ટુકડા કરી જૂની તારીખના દસ્તાવેજો બનાવી દેવામાં આવ્યા હતા. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ને અંદાજે રૂ. 78 કરોડનું ખોટું વળતર ચુકવવાનું દર્શાવવામાં આવ્યું હતું, જેમાંથી રૂ. 43 કરોડની છેતરપિંડીની પુષ્ટિ થઈ છે. અભનપુરના નાયકબંધા અને ઉર્લા ગામમાં જમીનને 159 પ્લોટમાં વહેંચી દેવાઈ હતી, જેના કારણે જમીનનું મૂલ્યાંકન રૂ. 29.5 કરોડથી વધીને સીધું રૂ. 78 કરોડ થઈ ગયું હતું.

EDના દરોડામાં ઉદ્યોગપતિ હરમીત સિંહ ખનૂજા, તેમના સહયોગીઓ અને વરિષ્ઠ સરકારી અધિકારીઓના નિવાસસ્થાનો અને ઓફિસો પર તપાસ ચાલી રહી છે. આ કેસમાં નિર્ભય કુમાર સાહુ સહિતના અધિકારીઓ પર ગંભીર આક્ષેપો છે. રાજ્ય સરકારે અગાઉ તપાસ બાદ નાયબ તહેસીલદાર લખેશ્વર પ્રસાદ કિરણ અને પટવારી જીતેન્દ્ર પ્રસાદ સાહુ સહિતના કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.

રાજ્ય વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન વિપક્ષના નેતા ડો. ચરણદાસ મહંતે આ કૌભાંડનો મુદ્દો ઉઠાવી સીબીઆઈ (CBI) તપાસની માંગ કરી હતી. બીજી તરફ, મહેસૂલ મંત્રી ટંક રામ વર્માએ સ્વીકાર્યું હતું કે કલેક્ટરની તપાસમાં છેતરપિંડીની પુષ્ટિ થઈ છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ હાલના 6 કોરિડોરને વધારીને 50 કરવાનું અને 8,000 કિમીના ઈન્ટર-કોરિડોર માર્ગો તૈયાર કરવાનું લક્ષ્ય છે. પરંતુ આ પ્રકારના ભ્રષ્ટાચારના કેસોને કારણે પ્રોજેક્ટની પારદર્શિતા સામે સવાલો ઉઠી રહ્યા છે.

આ પણ વાંચોઃ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે થોળ પક્ષી અભયારણ્યની મુલાકાત લીધી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code