
દિલ્હીમાં દારૂ નીતિ કેસમાં આપના નેતા સહિત બેની ઈડીએ કરી ધરપકડ
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં દારૂ નીતિ પ્રકરણમાં ઈડી સહિતની સંસ્થાઓ તપાસ કરી રહી છે. અગાઉ નાબય મુખ્યમંત્રી મનિષ સિસોદિયાના ઘરે અને બેંક લોકરની તપાસ કરવામાં આવી હતી. દરમિયાન ઈડીએ મનીલોન્ડરીંગના કેસમાં આપના નેતા સહિત બે વ્યક્તિઓને ઝડપી લઈને ઉંડાણપૂર્વકની તપાસ આરંભી છે. આ કેસમાં આગામી દિવસોમાં અન્ય કેટલાક મોટા માથાઓની સંડોવણી બહાર આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
દારૂ નીતિ પ્રકરણમાં આમ આદમી પાર્ટીની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. EDએ દિલ્હી લિકર પોલિસી કેસમાં AAP નેતા વિજય નાયર અને બિઝનેસમેન અભિષેક બોઈનપલ્લીની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. આમ આદમી પાર્ટીના નેતા વિજય નાયર અને બિઝનેસમેન અભિષેક બોઈનપલ્લીની દિલ્હી લિકર પોલિસીમાં મની લોન્ડરિંગ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા પણ આ બંનેની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી બંને જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા. દિલ્હી લિકર પોલિસીના આમ આદમી પાર્ટીના વિજય નાયરની જામીન પર સુનાવણી થવાની હતી. પરંતુ તે પહેલા જ ED દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.