Site icon Revoi.in

ગેરકાયદે સટ્ટાબાજી એપ કેસમાં શિખર ધવનને ઈડીએ પાઠવ્યુ સમન, પૂછપરછ માટે બોલાવાયા

Social Share

નવી દિલ્હી : ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર શિખર ધવનને ગેરકાયદે સટ્ટાબાજી એપ સાથે સંકળાયેલા ધનશોધન કેસમાં પ્રવર્તન નિર્દેશાલય (ઈડી) દ્વારા સમન પાઠવામાં આવ્યું છે. ઈડીએ તેમને પૂછપરછ માટે હાજર થવા બોલાવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. માહિતી મુજબ, “વન એક્સ બેટ” નામની ગેરકાયદે સટ્ટાબાજી એપ સાથે સંબંધિત તપાસમાં ધવનનું નિવેદન ધનશોધન નિવારણ અધિનિયમ (PMLA) હેઠળ નોંધવામાં આવશે. એવી ધારણા છે કે 39 વર્ષીય પૂર્વ ક્રિકેટર કેટલીક જાહેરાતો દ્વારા આ એપ સાથે જોડાયેલો હતો. પૂછપરછ દરમિયાન ઈડી તેમની ભૂમિકા તથા એપ સાથેના સંબંધોને સમજવાનો પ્રયત્ન કરશે.

સૂત્રોના જણાવ્યા મુજબ, ઈડી હાલમાં અનેક ગેરકાયદે સટ્ટાબાજી એપ્સની તપાસ કરી રહી છે, જેમાં લોકો અને રોકાણકારો પાસેથી કરોડો રૂપિયાની છેતરપિંડી તથા કરચોરીના આક્ષેપો છે. ગયા મહિને પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાની પણ આ જ કેસમાં પૂછપરછ થઈ હતી. કેન્દ્ર સરકારે તાજેતરમાં જ વાસ્તવિક નાણાં સાથેની ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ લગાવતો કાયદો પસાર કર્યો છે. અગાઉ આ કેસમાં યુવરાજ સિંહ, સુરેશ રૈના અને હરભજન સિંહની પૂછપરછ થઈ ચૂકી છે. આ તમામ ખેલાડીઓએ અલગ-અલગ સમયે આ એપનો પ્રચાર કર્યો હતો. જો કે અત્યાર સુધી કોઈ ક્રિકેટર વિરુદ્ધ સીધી મોટી કાર્યવાહી કરવામાં આવી નથી.