1. Home
  2. ગુજરાતી
  3. પાંચ રાજ્યોમાં આચારસંહિતા વચ્ચે 408 કરોડની રોકડ અને ચીજવસ્તુઓ જપ્ત કરાઈ
પાંચ રાજ્યોમાં આચારસંહિતા વચ્ચે 408 કરોડની રોકડ અને ચીજવસ્તુઓ જપ્ત કરાઈ

પાંચ રાજ્યોમાં આચારસંહિતા વચ્ચે 408 કરોડની રોકડ અને ચીજવસ્તુઓ જપ્ત કરાઈ

0
Social Share

નવી દિલ્હી, 27 માર્ચ 2026: દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે. ચૂંટણી દરમિયાન મતદારોને લોભાવવા માટે થતા ગેરકાયદે વ્યવહારો રોકવા માટે ચૂંટણી પંચે કમર કસી છે. ગુરુવારે એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં મોટી કાર્યવાહી કરતા રૂ. 408 કરોડથી વધુની ગેરકાયદે માલ-મિલકત જપ્ત કરી છે.

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, ‘ઈલેક્ટ્રોનિક જપ્તી મેનેજમેન્ટ સિસ્ટમ’ સક્રિય થયા બાદ અત્યાર સુધીમાં કુલ રૂ. 408.82 કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પાંચેય રાજ્યોમાંથી રૂ. 17.44 કરોડની રોકડ, 37.56 કરોડનો દારૂ, રૂ. 167.38 કરોડના નશીલા પદાર્થો, 23 કરોડની સોના-ચાંદી સહિતની કિંમતી ધાતુ તથા રૂ. 163.30 કરોડથી વધુની ભેટ-સોગાદો જપ્ત કરવામાં આવી છે.

15 માર્ચના રોજ ચૂંટણી પંચે આસામ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી હતી. ચૂંટણીમાં શિસ્ત જળવાઈ રહે તે માટે પંચે કડક વ્યવસ્થા કરી છે. વિવિધ રાજ્યોમાં ફરિયાદો પર તાત્કાલિક કાર્યવાહી કરવા માટે 5,173 થી વધુ ફ્લાઈંગ સ્ક્વોડ અને 5,200 થી વધુ સ્ટેટિક સર્વેલન્સ ટીમો તૈનાત કરવામાં આવી છે. 24 માર્ચના રોજ મુખ્ય સચિવો અને પોલીસ મહાનિર્દેશકો સાથે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં સૂચના આપવામાં આવી છે કે એન્ફોર્સમેન્ટ એજન્સીઓ વચ્ચે વધુ સારા સમન્વય દ્વારા હિંસામુક્ત, ભયમુક્ત અને પ્રલોભનમુક્ત ચૂંટણી સુનિશ્ચિત કરવામાં આવે.

ચૂંટણી પંચે જણાવ્યું છે કે નાગરિકો આચારસંહિતાના ઉલ્લંઘનની ફરિયાદ કરવા માટે ‘સી-વિજિલ’ એપનો મોટા પાયે ઉપયોગ કરી રહ્યા છે. છેલ્લા 10 દિવસમાં (15 માર્ચ થી 25 માર્ચ વચ્ચે) કુલ 70,944 ફરિયાદો મળી છે, જેમાંથી 70,831 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. આશ્ચર્યજનક રીતે, 95.8 ટકા ફરિયાદોનો ઉકેલ માત્ર 100 મિનિટની અંદર લાવી દેવામાં આવ્યો છે.

આ ઉપરાંત, ફરિયાદોના નિરાકરણ માટે જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે સીધો સંપર્ક કરવા માટે ખાસ કોલ સેન્ટર હેલ્પલાઇન પણ કાર્યરત કરવામાં આવી છે. પંચે સ્પષ્ટ કર્યું છે કે તપાસ દરમિયાન સામાન્ય જનતાને બિનજરૂરી પરેશાની ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code