
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદને લઈ એલોન મસ્કે સમર્થન આપ્યું
નવી દિલ્હીઃ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ટેસ્લા તથા સ્પેસએક્સ જેવી કંપનીઓના વડા એલોન મસ્કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની કાયમી સભ્યપદની વકાલત કરી છે. તેમણે કહ્યું છે કે, વિશ્વના સૌથી મોટા સંગઠન સંયુક્ત રાષ્ટ્રમાં કેટલાક મુદ્દાઓ પર ફેરફાર કરવાની જરૂર છે. ભારત સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવાને કારણે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં કાયમી સ્થાન મેળવવું જોઈએ. આમ ન કરવું એ યોગ્ય નથી.
એલોન મસ્કએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, કેટલીક જગ્યાએ સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાઓમાં સંશોધનની જરુરીયાત છે. દુનિયામાં સૌથી વધારે વસતી ધરાવતો દેશ હોવા છતા સુરક્ષા પરિષદમાં ભારતનું કાયમી સભ્યપદ ન હોવુ યોગ્ય નથી. આફ્રિકા માટે સામુહિક રીતે એક સીટ હોવી જોઈએ. સંયુક્ત રાષ્ટ્ર સંધમાં સુરક્ષા પરિષદમાં હાલની સ્થિતિએ પાંચ દેશ જ કાયમી સભ્ય તરીકે સામેલ છે. જેમાં અમેરિકા, બ્રિટન, ચીન, ફ્રાંસ અને રશિયાનો સામવેશ થાય છે. આ ગ્રુપ પી-પાંચ તરીકે ઓળખાય છે. તેમની પાસે કોઈ પણ પ્રસ્તાવમાં વીટો વાપરી શકે છે. આ ઉપરાંત 10 નિમણુંક કરાયેલા સભ્ય છે. જેમનો કાર્યકાળ માત્ર બે વર્ષનો હોય છે. તેમજ તેમની પાસે વીટોની સત્તા નથી.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્ય બનવા ઈચ્છતા તમામ ઉમેદવારોમાં ભારત સૌથી વધુ આગળ છે. ભારત આજે એક મુખ્ય વૈશ્વિક શક્તિ કેન્દ્ર બની ગયું છે. ભારતનો સદસ્યતાનો દાવો એ તથ્યો પર આધારિત છે કે તે સંયુક્ત રાષ્ટ્રના સ્થાપક સભ્યોમાંનો એક છે, સૌથી મોટી લોકશાહી, બીજો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ અને પાંચમો સૌથી મોટો અને સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે.