Site icon Revoi.in

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓની ભરતી સામે નોકર મંડળનો વિરોધ

Social Share

અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનમાં છેલ્લા કેટલાક વર્ષોથી કાયમી કર્મચારીઓની ભરતી કરવાને બદલે કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓની આઉટસોર્સથી ભરતી કરવામાં આવે છે. આ ઉપરાંત મ્યુનિ. સંચાલિત હોસ્પિટલોમાં હેલ્થ વર્કરોની કાયમી ભરતી ન કરીને આઉટસોર્સથી સેવા લેવામાં આવી રહી છે. મ્યુનિમાં કાયમી કર્મચારીઓની ભરતી કરવા ઉપરાંત વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે મ્યુનિના નોકર મંડળ દ્વારા મ્યુનિ.કમિશનરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. જો પ્રશ્નનો ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી તા.18મી સપ્ટેમ્બરના રોજ સારંગપુર બાબાસાહેબની પ્રતિમાથી વિશાળ રેલી યોજાશે. રેલી બાદ પણ કોઈ કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં હડતાળ પાડવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓએ વિવિધ માંગણીઓને મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજુ કરી છે. નોકર મંડળની રજૂઆત ધ્યાન પર નહીં લેવાય તો આગામી દિવસમાં હડતાલ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. નોકર મંડળની મુખ્ય માગોમાં વર્ગ એકથી ચાર સુધીના કર્મચારીઓને ગ્રેડ-પે પ્રમાણે પગાર ચૂકવવામાં આવે. હોસ્પિટલમાં આઉટસોર્સિંગ પ્રથા બંધ કરી મલ્ટિપલ પર હેલ્થ વર્કરોની નિમણૂક કરવામાં આવે. કોન્ટ્રાક્ટ પર જે લોકો છે, તેમને કાયમી કરવામાં આવે. એએમટીએસમાં 2006થી 2011 સુધી જે વારસદારો છે, તેમને પણ કાયમી કરવાની અને ફાયર બ્રિગેડમાં 24 કલાકની જગ્યાએ આઠ કલાકની નોકરી કરવામાં આવે એવી માગ કરવામાં આવી છે.

નોકર મંડળના કાર્યકારી પ્રમુખ ચંદ્રકાંત પરમારે જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કામદારો, હોસ્પિટલ, AMTS, મેનહોલ સહિતના કામદારો મંડળ સાથે જોડાયેલા છે. નોકર મંડળ દ્વારા કમિશનરને આવેદપત્ર આપવામાં આવ્યું છે. જેમાં તેમની વિવિધ રજૂઆત પૂર્ણ કરવા જણાવ્યુ છે. જો તેમની રજૂઆતો પૂરી નહીં થાય તો આગામી 18 સપ્ટેમ્બરના રોજ નોકર મંડળ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સારંગપુર બાબાસાહેબની પ્રતિમાથી શરૂ થનાર રેલી મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ આવશે. રેલી બાદ પણ કોઈ કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં હડતાળ પાડવામાં આવશે.