
ભાવનગરઃ જિલ્લાના પાલિતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હાલમાં વરસાદી માહોલમાં રોગચાળાએ માથું ઉંચકયું છે. તાવ, ઝાડા-ઊલટી, ટાઈફોડ, કમળો અને પેટના દર્દોના દર્દીઓથી સરકારી અને ખાનગી દવાખાના ઉભરાઈ રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા વધુ રોગચાળો ફેલાતો અટકાવવા તાકીદે આરોગ્યલક્ષી પગલાં ભરવા માંગ ઉઠી છે.
પાલિતાણામાં સરકારી તેમજ ખાનગી દવાખાનાઓમાં તાવ, ઝાડા-ઉલટી, ટાઇફોડ, કમળો, પેટના રોગોના દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે ત્યારે તંત્ર દ્વારા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જંતુનાશક દવાનો છંટકાવ વહેલી તકે કરવામાં આવે તેવું લોકો ઈચ્છે રહ્યા છે. રોગચાળાએ માઝા મૂકી છે ત્યારે તંત્ર સફાઈ તેમજ આરોગ્ય લક્ષી પગલા લેવા જોઈએ. પાલિતાણાના રહેવાસીઓ તેમજ યાત્રિકોના આરોગ્ય સાથે ચેડા થાય તેવા ગંદકીના ગંજ, ગટરના ઉભરાતા પાણી જોઈને પ્રજાજનો તોબા પોકારી ઊઠ્યા છે. સફાઈ અભિયાન હાથ કરવાની જરૂર છે. તેમજ જનતાને પીવા માટે શુદ્ધ પીવાલાયક પાણી આપવાની વ્યવસ્થા કરવાની માંગ ઊઠી છે.
પાલિતાણાના સરકારી દવાખાનામાં કમળાના રોગ અને પેટજન્ય રોગોના દર્દીઓ આવે છે. જેમાં કમળાના રોગ માટે લેબોરેટરીનો ટેસ્ટ કરવાનો હોય છે, તે માટે ફક્ત યુરિન ટેસ્ટ થાય છે, જ્યારે લોહીની તપાસ ખાનગી લેબમાં કરાવવા માટે દર્દીઓને જવું પડે છે. આ અંગે સરકારી દવાખાનાના લેબ ટેક્નિશિયનને પૂછતા તેમને જણાવેલ કે લોહીના તપાસ કરવા માટે જરૂરી કેમિકલ હાલમાં નથી, તબીબી સેવા કમિશનર કચેરી ખાતેથી લોહી તપાસણી માટેના કેમિકલોની માગણી હોવા છતાં આપતા નથી જેથી કમળાના રોગોની લોહી તપાસ થઈ શકતી નથી. પાલીતાણામાં સરકારી હોસ્પિટલમાં છેલ્લા એક મહિનામાં 720 ઝાડા-ઊલટી સહિતના પાણીજન્ય રોગોના દર્દીઓ તેમજ 700થી વધુ ટાઈફોઇડના દર્દીઓ નોંધાયા હતા. દૂષિત પાણીના કારણે ઝાડા ઊલટી ટાઈફોડ કમળો જેવા રોગોની બીમારીઓ થઈ શકે. સરકારી માનસિંહજી હોસ્પિટલમાં આવતા દર્દીઓને પૂર્ણ સારવાર આપીએ છીએ.