નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંક (RBI)એ મોટો ખુલાસો કરતા જણાવ્યું છે કે 2000 રૂપિયાના નોટોને ચલણમાંથી પાછા ખેંચી લેવામાં આવ્યા બાદ પણ હજુ સુધી રૂ. 5,884 કરોડ મૂલ્યના નોટ લોકો પાસે જ છે અને બેંકમાં જમા થયા નથી. આરબીઆઈએ 19 મે, 2023ના રોજ 2000 રૂપિયાના નોટોને પ્રચલનમાંથી પરત ખેંચવાની જાહેરાત કરી હતી.
સુત્રોના જણાવ્યા મુજબ, 30 સપ્ટેમ્બર, 2025 સુધીમાં 2000 રૂપિયાના નોટોની કુલ કિંમત ઘટીને રૂ. 5,884 કરોડ રહી ગઈ છે. 19 મે, 2023ના રોજ જ્યારે નોટ પરત ખેંચવાની પ્રક્રિયા શરૂ થઈ હતી ત્યારે આ નોટોનું કુલ મૂલ્ય રૂ. 3.56 લાખ કરોડ હતું. એટલે કે અત્યાર સુધીમાં 98.35% નોટો બેંકોમાં પરત આવી ચૂક્યા છે. આ નોટોને બદલવાની સુવિધા રિઝર્વ બેંકના 19 નિર્ગમ કચેરીઓમાં ઉપલબ્ધ છે. ઉપરાંત, ભારતીય ડાક વિભાગ મારફતે પણ લોકો પોતાના બેંક ખાતામાં 2000 રૂપિયાના નોટો જમા કરાવી શકે છે.
વિશેષજ્ઞોના મતે, જે રૂ. 5,884 કરોડના નોટો હજી સુધી પરત આવી નથી તે મોટા ભાગે કાળા નાણાં તરીકે છુપાવવા માટે વપરાયા હશે, કારણ કે 2000 રૂપિયાનો નોટ નાના કદમાં મોટા મૂલ્યનો હોવાથી કાળા ધનની હેરાફેરીમાં તેનો ઉપયોગ થતો રહ્યો છે.

