
રાજકોટઃ કોરોના કાળમાં અનેક વાલીઓની આવકમાં ઘટાડો થયો છે. બીજીબાજુ ઓનલાઈન શિક્ષણ હોવા છતાં સ્વનિર્ભર શાળાઓ ફી ઘટાડવા તૈયાર નથી ત્યારે હવે વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળામાંથી ઉઠાડીને સરકારી કે મ્યુનિ. સંચાલિત શાળાઓમાં પ્રવેશ અપાવી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં આ વર્ષે ખાનગી શાળાઓમાંથી સરકારી શાળામાં માત્ર દોઢ જ મહિનામાં 2400 બાળકોના પ્રવેશ થયા છે. રાજકોટ શહેરમાં આવી 91 પ્રાઇમરી સ્કૂલ છે જ્યારે જિલ્લાના અલગ અલગ ગામોમાં બીજી 500 શાળાઓમાં અભ્યાસ ચાલુ છે. જ્યારે હાઈસ્કૂલની સંખ્યા 48 છે.
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી બી. એસ. કૈલાના જણાવ્યા અનુસાર રાજકોટમાં પ્રાઇમરી સ્કૂલમાં 1800 પૈકી સૌથી વધુ 45 બાળકના રેલનગર પ્રાઇમરી સ્કૂલમાં એડમિશન થયા છે જ્યારે હાઈસ્કૂલના 600માંથી સરોજિની નાયડુ સ્કૂલ તેમજ કડવીબાઈ વિરાણી સ્કૂલમાં એડમિશન થયા છે. આ તમામ બાળકો પહેલા ખાનગી શાળામાં અભ્યાસ કરતા હતા પણ હવે સરકારી શાળા તરફ વળ્યા છે. આ અંગેના કારણો વિશે જણાવ્યું હતું કે, કોરોનાને કારણે લોકોની આર્થિક સ્થિતિ પર અસર આવી છે. લોકોને હવે મોંઘી ફી પોષાતી નથી આ ઉપરાંત ઈન્ફ્રાસ્ટ્રક્ચર મુજબ ઘણી ખાનગી શાળાઓ કરતા સરકારી શાળાઓ સારી થઈ છે અને ગુણવત્તાયુક્ત અભ્યાસ માટે પૂરતા શિક્ષકો હોય છે.આ ઉપરાંત હવે બાળકોને દૂર દૂરની શાળામાં મોકલવાને બદલે ઘરઆંગણે જ રહે તેવો પણ આશય છે જેના કારણે ખાનગી સ્કૂલને બદલે સરકારી શાળા જ વધુ અનુકૂળ લાગતા એડમિશનની સંખ્યામાં વધારો થયો છે. જિલ્લા શિક્ષણાધિકારીએ ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, કુવાડવાથી 7થી 8 બસ ભરાઈને રાજકોટની ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા હતા. આ કારણે ફી ઉપરાંત બસભાડા સહિતનો ખર્ચ પણ વધે છે તેથી બાળકોને દૂર મોકલવાને બદલે આસપાસના ગામની જ શાળામાં એડમિશન કરાવી રહ્યા છે. મેટોડામાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે.