નક્ષત્રોએ પણ આઝાદીની ચળવળમાં ભાગ લીધો છે: લોકમાન્ય તિલકનું “ઓરાયન”
- “ઓરાયન” નક્ષત્ર આજકાલ આકાશમાં ખૂબ સુંદર રીતે દેખાય છે. જાણે તે આઝાદીનો પર્વ બનાવી રહ્યું હોય. આઝાદીની ચળવળમાં કોઈ નક્ષત્ર એ ભાગ લીધો હોય તેવું સાંભળ્યું છે?
એકવાર એવું થયું કે બાલ ગંગાધર તિલકને યરવડા જેલમાં દેશદ્રોહના આરોપમાં પૂરી દેવામાં આવ્યા. લોકમાન્ય માટે આ કોઈ નવી ઘટના ન હતી. તે માનસિક રીતે પણ તૈયાર જ હતા. આઝાદીની ચળવળમાં વૈચારિક ક્રાંતિ લાવવાનું કામ એમના હાથમાં હતું. અંગ્રેજોને એ ખૂંચતું હતું એટલે કોઈને કોઈ કારણસર એમને જેલવાસ ભોગવવો પડ્યો હતો. લાલ, બાલ અને પાલની ત્રિપુટીમાંના એક એવા તિલક જેલમાં બેઠા બેઠા પણ અનેક એવાં કામ કર્યાં જેના કારણે અંગ્રેજોનો ભારત પ્રત્યેના દ્રષ્ટિકોણમાં ફેરફાર આવ્યો. લોકમાન્ય બાલ ગંગાધર તિલકે તેમની જુદી જુદી કારાવાસ દરમિયાન સમયનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરીને દેશ અને દુનિયાને ખૂબ જ ઉપયોગી તેવા પુસ્તકો લખ્યાં.

બાલ ગંગાધર તિલકે 1893માં “Orion: Or Researches Into The Antiquity Of The Vedas” લખ્યું. એ માત્ર એક ધાર્મિક કે સાહિત્યિક ગ્રંથ નથી, પરંતુ વૈજ્ઞાનિક પદ્ધતિથી વેદોની પ્રાચીનતા સાબિત કરવાનો એક ગંભીર પ્રયાસ છે. તે સમયના યુરોપિયન વિદ્વાનો વેદોને ઈ.સ. પૂર્વે આશરે 2400ની આસપાસના સમયમાં ગણતા હતા હતા, જ્યારે તિલકનું માનવું હતું કે વેદિક સંસ્કૃતિ આથી ઘણાં હજારો વર્ષ જૂની છે. આ માન્યતાને સાબિત કરવા માટે તેમણે ખગોળશાસ્ત્ર, સંસ્કૃત ગ્રંથો અને ગણિતીય તારણોનો આધાર લીધો.
લોકમાન્ય બાલ ગંગાધર તિલકનો મુખ્ય તર્ક વસંત સમવિષુવ (Vernal Equinox) અને નક્ષત્રોની ગતિ પર આધારિત હતો. વસંત સમવિષુવ એ વર્ષનો એવો વિશેષ સમય છે જ્યારે દિવસ અને રાતનો સમય લગભગ સમાન હોય છે અને સૂર્ય આકાશમાં સમવિષુવ બિંદુ પરથી પસાર થાય છે. પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં આ સમય (seasonal transition) ખેતી, યજ્ઞો અને ઋતુ પરિવર્તન સાથે ગાઢ રીતે જોડાયેલો હોવાથી તેને અત્યંત મહત્ત્વ આપવામાં આવ્યું હતું. તિલક માનતા હતા કે વૈદિક ગ્રંથોમાં આવા ખગોળીય સંકેતો માત્ર કાવ્યાત્મક નથી, પરંતુ વાસ્તવિક આકાશીય સ્થિતિનું ચોક્કસ વર્ણન કરે છે.
તિલકના તર્કનો આધાર પૃથ્વીના ખગોળીય ધ્રુવ એટલે કે ઉત્તર દિશા નો ધીમે ધીમે થતા ઢોળાવ પર છે, જેને ખગોળશાસ્ત્રમાં પ્રિસેશન (Precession of the Equinoxes) કહેવામાં આવે છે. પૃથ્વી પોતાની ધરી પર ફરતી વખતે તેની ધરી (Axis) ધ્રુવ એટલે કે ઉત્તર દિશા ભમરડાની જેમ ધીમે ધીમે ડોલે છે, જેના કારણે સમવિષુવ બિંદુ હજારો વર્ષોમાં આકાશના અલગ અલગ નક્ષત્રોમાં ખસતું રહે છે.
સાદી ભાષામાં કહીએ તો પૃથ્વીની ખગોળીય ઉત્તર દિશા અત્યારે ધ્રુવ તારાની સામે છે તે હજારો વર્ષો પહેલા ક્યાંક બીજે હતી. હજારો વર્ષ પછી પૃથ્વીની ધરી જેમ અત્યારે ધ્રુવ તારાની સામે છે તેમ તે કોઈ અન્ય નક્ષત્રોમાં અથવા તારાઓની સામે હશે. આ પ્રક્રિયા (precessional motion) અત્યંત ધીમી છે અને એક સંપૂર્ણ ચક્ર પૂરું થવામાં લગભગ 26,000 વર્ષ લાગે છે. પરિણામે, વસંત સમવિષુવ દર થોડા હજારો વર્ષોમાં એક નક્ષત્રથી બીજા નક્ષત્રમાં પ્રવેશે છે. આ નિયમ ગણિતીય રીતે નિશ્ચિત અને વૈજ્ઞાનિક રીતે સ્વીકારાયેલો છે. આ રીતે ગણતરી કરીએ તો આશરે 25,700 વર્ષ પછી પૃથ્વીની ધરી આજે ધ્રુવ તારાની સામે છે એના બદલે તે વેગા તારાની સામે હશે. એ વખતે ભેગા તારાને ધ્રુવ તારા તરીકે ઓળખાશે.
વૈદિક ખગોળશાસ્ત્રમાં આકાશને 27 નક્ષત્રોમાં વહેંચવામાં આવ્યું છે જે સંપૂર્ણપણે sidereal system પર આધારિત છે. તેમાં મૃગશીર્ષ (ઓરાયન) નક્ષત્રનું વિશેષ મહત્ત્વ છે. ઋગ્વેદ, બ્રાહ્મણ ગ્રંથો અને અન્ય વૈદિક સાહિત્યમાં મૃગશીર્ષ સાથે જોડાયેલા અનેક સંકેતો મળે છે, જ્યાં તેને વર્ષના આરંભ, વસંતકાળ અને યજ્ઞવિધિઓ સાથે જોડવામાં આવ્યું છે. આવા વર્ણનો પરથી તિલકે તારણ કાઢ્યું કે, જે સમયગાળામાં આ મંત્રો અને વિધિઓ રચાયા, તે સમયે વસંત સમવિષુવ મૃગશીર્ષ નક્ષત્રમાં આવતો હતો. તિલકે આ ખગોળીય સંકેતોને આધુનિક ખગોળશાસ્ત્રની ગણિતીય ગણતરી સાથે જોડ્યા. તેથી જો આપણને પૃથ્વીને ભમરડાની જેમ ડોલવાનો દર મળે તો ભારતના પ્રાચીન ગ્રંથો ક્યારે લખાયા એ જાણી શકાય. Precession rate આશરે 1 degree per 72 years માનવામાં આવે છે. આ દરથી પાછળ જતા equinox pointની ગણતરી કરતા તેમણે દર્શાવ્યું કે જ્યારે Vernal Equinox Mṛgaśīrṣa (Orion) constellation માં હતો, ત્યારે સમય આશરે 4500 BCE આસપાસ આવે છે. આથી તેમણે નિષ્કર્ષ આપ્યો કે ઋગ્વેદમાં વર્ણવાયેલી આકાશીય સ્થિતિ એ અત્યંત પ્રાચીન યુગનું પ્રતિબિંબ છે અને વેદોની રચના પશ્ચિમના વિદ્વાનો માનતા હતા તે કરતાં ઘણાં હજારો વર્ષ જૂની છે.

આ રીતે, વસંત સમવિષુવ અને મૃગશીર્ષ નક્ષત્ર આધારિત વિશ્લેષણ “ઓરાયન” ગ્રંથનું વૈજ્ઞાનિક હૃદય બનીને વેદોની મહાન પ્રાચીનતા તરફ દૃઢ સંકેત આપે છે.આ શોધનો ઉદ્દેશ માત્ર તારીખ નક્કી કરવાનો નહોતો. તિલક બતાવવા માંગતા હતા કે વેદો માત્ર ધાર્મિક મંત્રોનો સંગ્રહ નથી, પરંતુ તેમાં ઊંડું ખગોળશાસ્ત્રીય અને વૈજ્ઞાનિક જ્ઞાન સમાયેલું છે. આ દૃષ્ટિકોણથી તેમણે ભારતીય સંસ્કૃતિને વૈજ્ઞાનિક આધારે મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો, જેથી ભારતીયોમાં આત્મવિશ્વાસ અને ગૌરવની ભાવના જાગે. વેદિક જ્ઞાનને “અંધ શ્રદ્ધા” તરીકે જોનારા વસાહતી વિચારધારાને આ રીતે તેમણે પડકાર આપ્યો.
તિલક માટે આ ગ્રંથ રાષ્ટ્રીય ચેતનાનો પણ આધાર હતો. તેમના મતે, જો ભારતની પ્રાચીન સંસ્કૃતિ વૈજ્ઞાનિક રીતે અતિ વિકસિત હતી, તો આધુનિક ભારતીય રાષ્ટ્રવાદ માટે એ એક મજબૂત ઐતિહાસિક અને આધ્યાત્મિક પાયો બની શકે. હિંદુ સંસ્કૃતિની પ્રાચીનતા અને વૈભવને સમજવાથી સ્વરાજ્યના આંદોલનને પણ બળ મળે એવો તેમનો વિચાર હતો. “ઓરાયન” મૂળ લંડનમાં યોજાયેલી નવમી ઓરિએન્ટલ કોંગ્રેસ માટે લખાયેલો એક નિબંધ હતો. ત્યારબાદ તેનું પુસ્તક સ્વરૂપે પ્રકાશન થયું.



