Site icon Revoi.in

તાપમાન 40 ડિગ્રીથી ઓછુ છતાં અસહ્ય બફારાથી લોકો અકળાયા, માવઠાની આગાહી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આજે તાપમાન 40 ડિગ્રીથી ઓછુ નોંધાયુ હતું. છતાંયે અસહ્ય બફારાએ લોકોને અકળાવ્યા હતા. દરમિયાન રાજ્યમાં હવામાન વિભાગે આજથી સાત દિવસ છુટાછવાયા વરસાદની આગાહી કરી છે. જેમાં આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે બપોર સુધીમાં રાજ્યમાં કમોસમી વરસાદ પડ્યાના વાવડ મળ્યા નથી.

હવામાન વિભાગના કહેવા મુજબ રાજ્યમાં આગામી 7 દિવસ મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આગામી 7 દિવસમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત વીજળીના કડાકા અને 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવા વાવાઝોડા સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહિસાગર. જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં જેમ કે, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જેમ કે, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે. ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.  મંગળવારથી સાઈક્લોનીક અસર દેશભરમાં જોવા મળશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.. ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય બન્યું છે.

હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલના કહેવા મુજબ  ગુજરાતમાં 20 મેથી 24 મે સુધી સાયકલોનની અસરો જોવા મળશે. આ અસરને કારણે ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. તારીખ 25 થી 5 જૂન દરમિયાન ગુજરાતમાં ભારે ગરમી પડવાની પણ સંભાવના છે. આ વખતે રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની સંભાવના પ્રબળ છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર, આંદામાન-નિકોબાર ટાપુ પર ચોમાસું પહોંચી ચૂક્યું છે. પરિબળો સાનુકૂળ હોવાથી આ વખતે ચોમાસું વહેલું આવે એવી શક્યતા છે. કેરળમાં 27 મે સુધીમાં ચોમાસું પ્રવેશ કરશે, જેના પગલે હવે ગુજરાતમાં પણ ચોમાસું વહેલા આવવાની શકયતા છે