
ભારતમાં મોંઘી મોટરકારની ચોરીના રેકેટનો પર્દાફાશઃ મુખ્ય સુત્રધાર દુબઈમાં બેઠા-બેઠા ગેંગ ચલાવતો હતો
દિલ્હી : દક્ષિણ દિલ્હી પોલીસના વિશેષ સ્ટાફની ટીમે હાઇટેક લક્ઝરી વાહનોની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ટોળકી પાસેથી ચોરેલા 21 લક્ઝરી વાહનો રિકવર કર્યા છે અને ચાર ઓટો લિફ્ટરની ધરપકડ કરી છે. ગેંગનો મુખ્ય સુત્રધાર શારિક હુસૈન ઉર્ફે સટ્ટા હોવાનું સામે આવ્યું છે, જે દુબઈમાં બેઠા-બેઠા ભારતમાં પોતાની ગેંગને ઓપરેટ કરતો હતો. આ ગેંગ મણિપુર, મેરઠ અને ઈન્દોરમાં સક્રિય હતી. પોલીસે કાર ચોરીના આરોપમાં આબિદ, જોનસન, આસિફ અને સલમાનની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દક્ષિણ પશ્ચિમ જિલ્લામાં લક્ઝરી કારની ચોરીના બનાવોમાં વધારો થયો છે. દક્ષિણ પશ્ચિમ જિલ્લામાંથી એક પછી એક અનેક લક્ઝરી વાહનોની ચોરી થઈ રહી હતી. 3 ઓક્ટોબરના રોજ મોહમ્મદ ઈકલાખ નામના વ્યક્તિએ ફરિયાદ કરી હતી કે તેણે તેની મોંધી કાર પાર્કિંગમાં ઉભી હતી. જેની ચોરી થઈ હતી. મોંઘી મોટરકારની ચોરીના બનાવોમાં વધારો થયો હતો. સમગ્ર બનાવને ગંભીરતાથી લઈને પોલીસે તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો હતો.
દરમિયાન પોલીસે આબિદ નામની વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં આબિદે જણાવ્યું હતું કે, તે આ ગેંગનો સક્રિય સભ્ય છે અને કરિયરની જેમ આ ગેંગમાં કામ કરે છે. આબિદ વિરુદ્ધ 15 જેટલા પોલીસ કેસ નોંધાયેલા છે. આ પ્રકરણમાં અન્ય આરોપીઓની સંડોવણી સામે આવી હતી. આ ઉપરાંત મુખ્ય સુત્રધાર શારિક હુસેન ઉર્ફે સટ્ટા હોવાનું સામે આવ્યું છે.
શારિક દુબઈમાં બેઠા-બેઠા મોંઘી મોટરકાર ચોરીનું રેકેટ ચલાવતો હતો. કંઈ મોટરકારની ચોરી કરવી અને તેને ક્યાં પહોંચાડવી તમામ નિર્ણય શારિક દુબઈમાં બેઠા-બેઠા લેતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ પ્રકરણમાં ચાર આરોપીઓને ઝડપી લઈને તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આરોપીઓની તપાસમાં અન્ય વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલાવાની શકયતા છે.