Site icon Revoi.in

ઓલપાડ વિસ્તારમાં ડાંગરના પાકની કાપણી કરી ત્યાં વરસાદ પડતા વ્યાપક નુકસાન

Social Share

સુરતઃ જિલ્લાના ઓલપાડ તાલુકામાં કમોસમી વરસાદને લીધે  ઉનાળું તલ, મગ અને ખાસ કરીને ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે. તાલુકાના ખેડૂતોએ આ વર્ષે 13 હજાર હેક્ટર જમીનમાં ડાંગરની રોપણી કરી હતી. હાલમાં તૈયાર પાકની હાર્વેસ્ટર મશીનથી કાંપણી શરૂ કરી હતી અને નીકળેલા ડાંગરને ખુલ્લી જમીન, રોડ પર પાથરી સૂકવવા માટે મુક્યો હતો. ત્યારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ શરૂ થતાં ડાંગરને ઢાંકવા માટે ખેડુતોએ દોડધામ કરી હતી. અનેક ખેડૂતોનો ડાંગર પલળી જતાં હાલત કફોડી થઈ હતી. જેમનો ડાંગર સુકાઈ ગયો હતો તેમણે ગૂણીઓ ઓલપાડ, સાયણ, જહાંગીરપુરા જીન સહિત મંડળીઓમાં લાઈન લગાવી હતી. મોટાભાગના ખેડૂતોનો તલ, મગ સહિત તૈયાર પાક જમીનદોસ્ત થઈ જતાં ભારે નુકસાન થયું હતું.

સુર જિલ્લામાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદનું વાતાવરણ સર્જાયું છે. જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. ત્યારે ઓલપાડ તાલુકામાં કમોસમી વરસાદના ઝાપટાં પડતા ડાંગરના પાકને નુકસાન થયું છે. ખેડુતોએ ડાંગરની કાપણી કરીને ડાંગરને સુકવવા માટે રોડ-રસ્તાઓ પર પથારીઓ કરી હતી. ત્યાં વરસાદ પડતા ડાંગરનો પાક ભીંજાઈ ગયો હતો. આ ઉપરાંત માવઠાથી તલ અને મગ સહિતના પાકને પણ નુકસાન થયું હોવાનું ખેડુતો કહી રહ્યા છે. દરમિયાન જહાંગીરપુરા, ઓલપાડ અને સાયણના જીનમાં ડાંગર લેવાનું ચાલુ છે. જો આગામી દિવસોમાં વરસાદ રહેશે તો મંડળીઓએ હાલ પુરતું ડાંગર લેવાનું બંધ કરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ બાબતે ખેડૂતોના હિતમાં બોર્ડના ડિરેકટરો સાથે ચર્ચા વિચારણા કરીને યોગ્ય નિર્ણય લેવાશે.