વિદેશમંત્રી ડો.એસ જયશંકર બ્રિટનના CDS સર નિકોલસ કાર્ટરને મળ્યા,અફ્ઘાનિસ્તાન સહીત મહત્વના મુદ્દે ચર્ચા કરી
- ભારતના વિદેશમંત્રી યુનાઈટેડ કિંગડમમાં
 - બ્રિટનના સીડીએસ સાથે કરી મુલાકાત
 - અફ્ઘાનિસ્તાન સહીતના મુદ્દે ચર્ચા
 
દિલ્હી :ભારત પોતાના સંબંધો વિશ્વના તમામ દેશો સાથે વધારવા માટે સકારાત્મક પ્રયાસ કરી રહ્યું છે. વિદેશમંત્રી ડો.એસ જયશંકર સતત વિદેશોનો પ્રવાસ કરી રહ્યા છે, આવામાં હવે ભારતના વિદેશમંત્રી શુક્રવારે યુકેના સીડીએસ સર નિકોલસ કાર્ટરને મળ્યા હતા. આ દરમિયાન તેમણે અફઘાનિસ્તાન સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી. આ બેઠક વિશે માહિતી આપતા એસ. જયશંકરે કહ્યું કે બ્રિટિશ સીડીએસ સર નિકોલસ કાર્ટર સાથેની તેમની વાતચીત અફઘાનિસ્તાન અને હિંદ પ્રશાંત પર કેન્દ્રિત હતી.
આ ઉપરાંત તેમણે કહ્યું કે આ દરમિયાન વેપાર અને રોકાણ, જોડાણ અને ઇન્ડો-પેસિફિક સહિત ભારત- યુરોપીયન સંઘની ભાગીદારીના વિસ્તરણ પર ચર્ચા થઈ. આ ઉપરાંત ક્લાઇમેટ એક્શન પડકારો અને અફઘાનિસ્તાન પર પણ ચર્ચા કરવામાં આવી હતી
ઉલ્લેખનીય છે કે,બ્રિટનના વિદેશ સચિવ લિઝ ટ્રસ ભારત અને બ્રિટનની અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે અનેક જોડાણોની જાહેરાત કરશે. લિઝ ટ્રસ તેના સમકક્ષ એસ. જયશંકર અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ સાથે બે દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા અને બંને દેશો વચ્ચે ગાઢ સહકારના ક્ષેત્રો પર ચર્ચા કરી. લિઝ ટ્રસ સ્વચ્છ અને સતત વિકાસમાં મદદ આપવા માટે ભારત સાથે 8.2 કરોડ ડોલરથી વધુની ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોડાણની જાહેરાત કરશે. બ્રિટન સરકારે શુક્રવારે આ માહિતી આપી હતી.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

