
વિદેશ મંત્રી એસ જયશંકરે ઈરાન, કેનેડા અને બ્રિટનના વિદેશ મંત્રીઓ સાથે વાતચીત કરી, અફઘાનિસ્તાનની સ્થિતિ પર ચર્ચા
- એસ જયશંકરે ઈરાન,કેનેડા અને બ્રિટનના વિદેશમંત્રીઓ સાથે વાત કરી
- અફઘાનિસ્તાનની સ્થિતિ પર કરી ચર્ચા
- અફઘાનિસ્તાન મુદ્દા પર ભારત રાખી રહ્યું છે કડક નજર
દિલ્હી:વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે તેમના નવા નિયુક્ત ઈરાની સમકક્ષ હુસેન અમીર અબ્દુલ્લાહિયાન સાથે વાત કરી અને અફઘાનિસ્તાનની સ્થિતિ તેમજ દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી. ઈરાનની સંસદે ગયા સપ્તાહે રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના નવા મંત્રીમંડળમાં દેશના વિદેશ મંત્રી તરીકે અમીર અબ્દુલ્લાહિયાંની નિમણૂકને મંજૂરી આપી હતી. 2011 થી 2016 વચ્ચે અરબ અને આફ્રિકન બાબતો માટે ઈરાનના નાયબ વિદેશ મંત્રી તરીકે સેવા આપનાર અમીર અબ્દુલ્લાહિયાને મોહમ્મદ જવાદ ઝરીફની જગ્યા લીધી છે.
જયશંકરે બુધવારે તેમના બ્રિટિશ સમકક્ષ ડોમિનિક રાબ સાથે અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે પણ વાત કરી હતી. એક સપ્તાહમાં તેમની આ પ્રકારની બીજી વાતચીત છે. અફઘાનિસ્તાનમાં ઝડપથી બદલાતી ઘટનાઓ, ખાસ કરીને તાલિબાનોએ 15 ઓગસ્ટના રોજ દેશ પર કબજો જમાવ્યા બાદ, ભારત તમામ મોટા દેશો સાથે સતત સંપર્કમાં છે.
આ પહેલા 25 ઓગસ્ટે વિદેશ મંત્રીએ અફઘાનિસ્તાન સંકટ પર રાબ સાથે પણ વાત કરી હતી. એસ જયશંકરે કેનેડાના વિદેશ મંત્રી માર્ક ગાર્નો અને ઓમાનના વિદેશ મંત્રી સૈયદ બદર અલ્બુસૈદી સાથે પણ વાતચીત કરી હતી.
ભારત અફઘાનિસ્તાનના ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યું છે. પ્રથમ ઓપચારિક અને સાર્વજનિક રૂપથી સ્વીકૃત સંપર્કમાં કતારમાં ભારતીય રાજદૂત દીપક મિત્તલ મંગળવારે વરિષ્ઠ તાલિબાન નેતા શેર મોહમ્મદ અબ્બાસ સ્તાનિકઝઈને મળ્યા હતા. ભારતીય રાજદૂત અને તાલિબાન નેતા વચ્ચેની મુલાકાત દોહા સ્થિત ભારતીય દૂતાવાસ ખાતે તાલિબાનની વિનંતી પર થઈ હતી.