1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત સરકારની અનિર્ણાયકતાને લીધે ઈજનેરી કોલેજોના અધ્યાપકોને લાભો મળતા નથીઃ કોંગ્રેસ
ગુજરાત સરકારની અનિર્ણાયકતાને લીધે ઈજનેરી કોલેજોના અધ્યાપકોને લાભો મળતા નથીઃ કોંગ્રેસ

ગુજરાત સરકારની અનિર્ણાયકતાને લીધે ઈજનેરી કોલેજોના અધ્યાપકોને લાભો મળતા નથીઃ કોંગ્રેસ

0
Social Share

અમદાવાદઃ રાજ્ય સરકારની અનિર્ણાયકતાના કારણે સરકારી ઈજનેરી કોલેજોના અધ્યાપકો 12 વર્ષે પણ મળવા પાત્ર લાભોથી વંચિત છે. અધ્યાપકો ઘણા સમયથી રજુઆતો અને લડતના કાર્યક્રમો આપવા છતાયે તેમના પ્રશ્નો ઉકેલાતા નથી. ઈજનેરી કોલેજોના પ્રોફેસરોની 308 જગ્યાઓ વર્ષોથી ખાલી છે. બઢતી અને બદલી પણ કરાતી નથી. તેના લીધે  ટેકનીકલ શિક્ષણ લકવાગ્રસ્ત થઈ રહ્યું છે. તેમ કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યુ હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની સરકારી ડિગ્રી-ડિપ્લોમાં ઈજનેરી કોલેજોમાં પ્રાધ્યાપકો સહિત સ્ટાફની મોટાપાયે ખાલી જગ્યા છે. જેમા વિવિધ સંવર્ગમાં  2744ના મહેકમ સામે 1004 જેટલી જગ્યાઓ ખાલી છે. જેમાં વર્ગ-1માં 308 જગ્યાઓ ખાલી છે. રાજ્ય સરકારે છેલ્લા 12 વર્ષથી બઢતી પ્રક્રિયા જ હાથ ન ધરતા ગુજરાતમાં સરકારી 16 ઈજનેરી કોલેજોના વર્ગ-1ની 57 ટકા, વર્ગ-2 અને, વર્ગ-3ની 66 ટકા અને વર્ગ-4ની 75 ટકા જગ્યાઓ ખાલી છે. સરકારી 31 પોલીટેકનીક કોલેજોમાં વર્ગ-1ની 50 ટકા, વર્ગ-2ની 10 ટકા અને વર્ગ-3ની 70 ટકા જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. પરિણામે ટેકનીકલ શિક્ષણ પર મોટા પાયે નુકસાન થઈ રહ્યુ છે. અધ્યાપકોના અભાવે વિદ્યાર્થીઓને ઘનિષ્ઠ શિક્ષણ મળતું નથી. જેની સીધી અસર ભાવિ ઈજનેરોની કારકિર્દી પર પડી રહી છે.

તેમણે ઉમેર્યુ હતું કે, રાજ્યની સરકારી ઇજનેરી કોલેજોના અધ્યાપકો ટેકનીકલ શિક્ષણ વિભાગ દ્વારા ઉપેક્ષિત થતા હોવાની લાગણી છેલ્લા અમુક વર્ષોથી અનુભવી રહ્યાં છે. ગુજરાત રાજ્ય સરકારી ઇજનેરી કોલેજ રાજ્યપત્રિત અધિકારી મંડળ દ્વારા અનેક વિવિધ પડતર પ્રશ્નોની રજૂઆત સરકારમાં છેલ્લા કેટલાક વર્ષોથી મુખ્યમંત્રીથી લઈને નિયામક, ટેકનિકલ શિક્ષણ સુધીના સ્તરે વારંવાર કરવા છતાં પણ તેઓના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આજ દિન સુધી કરાયુ નથી. સરકારના કોઈ પણ વિભાગમાં કોઈ કર્મચારી/અધિકારી જોડાયાના અમુક વર્ષો બાદ તેઓને ઉચ્ચતર પગાર ધોરણ અથવા બઢતી નિયમાનુસાર અને સમયસર મળી જતી હોય છે, જ્યારે રાજ્યની સરકારી ઇજનેરી કોલેજના અધ્યાપકો ઉચ્ચતર પગાર ધોરણ (કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ) માટે પાછલા આઠ-આઠ વર્ષથી લાયક હોવા છતાં ઉચ્ચતર પગાર ધોરણ આપવામાં આવ્યું નથી. ધણા અધ્યાપકો તો 12 વર્ષ પહેલાં  જે પગાર ધોરણમાં નોકરીમાં જોડાયા હતા તેજ પગાર ધોરણમાં સેવા કરી રહ્યા છે. જેથી અધ્યાપકોને આર્થિક રીતે મોટું નુકસાન થઈ રહ્યું છે. વર્ષ 2012 પછી જુજ કિસ્સાને બાદ કરતા આજ દિન સુધી બઢતીની પ્રક્રિયા ટેકનીકલ શિક્ષણ વિભાગ દ્વારા  હાથ ધરવામાં આવી નથી. સરકારી ઇજનેરી કોલેજોમાં વર્ગ-1 ની આશરે 57 ટકા જેટલી જગ્યા ખાલી છે

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કેટલાય આધ્યાપકો રાજ્યના જુદાજુદા જિલ્લામાં આવેલ સરકારી ઇજનેરી કોલેજોમાં આઠથી દસ વર્ષ ઉપરાંતના લાંબા સમયથી ફરજ બજાવી રહ્યા છે.   કેટલાક કિસ્સાને બાદ કરતા અધ્યાપકોની બદલીની વિનંતી હોય અને સરકારશ્રી નાં નિયમાનુસાર હોવા છતાં પણ ટેકનીકલ શિક્ષણ વિભાગ દ્વારા બદલી કરવામાં આવતી નથી. સરકારી ઇજનેરી કોલેજોમાં વર્ગ-3 ના કર્મચારીની અછતને કારણે વહીવટી અધિકારી, હિસાબી અધિકારી, વિદ્યાર્થી વિભાગ, હોસ્ટેલના ગૃહપતિ, લેબોરેટરી સાધનોની જાળવણી, સરકારી કાર્યક્રમો તેમજ મેળાવડાઓમાં વિદ્યાર્થીઓને લઇ જવા જેવા અનેક બિનશૈક્ષણિક કાર્યો તમેજ DTE, ACPC, GTU, KCG, SSIP  વિગેરેમાં OSD તરીકે ફરજ અધ્યાપકોને સોપવામાં આવે છે. અધ્યયન તેમજ સંશોધન કાર્યના ભોગે બિનશૈક્ષણિક કામગીરી કરતા હોવાના કારણે વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યને નુકસાન થાય તે સ્વાભાવિક છે. (file photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code