તલાળા, 18 માર્ચ 2026: Fake milk factory busted ગીર સોમનાથ જિલ્લાના તલાળા તાલુકાના ગુંદરણ ગામ નજીક નેસ વિસ્તારમાં નકલી દૂધ બનાવવાની ફેકટરી પકડાઈ છે. પોલીસે દરોડો પાડીને નકલી દૂધ બનાવવા માટે વાપરવામાં આવતું પામ ઓઇલ, માલ્ટોડેક્સટ્રિન (સ્ટાર્ચ પાઉડર) અને યુરિયા જેવા જોખમી કેમિકલ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે નકલી દૂધ બનાવનારા રવિ કાળાભાઇ કારમટા નામના શખસની અટકાયત કરી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
ગુજરાતમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. હને તો નકલી દૂધ બનાવીને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવી રહ્યા છે. લોકોને ગામડામાં ચોખ્ખી વસ્તુ મળતી હોય તેવી ધારણા હોય છે. ગીર પંથક દૂધની ક્વોલિટી માટે જાણીતો છે. લોકો એમ વિચારે છે કે ગીરમાં મળતું દૂધ 100 % પોષણક્ષમ જ હશે, પણ હવે આ વાત ખોટી સાબિત થઇ રહી છે. ગીર સોમનાથના તલાળા તાલુકાના ગુદરણ ગામે નકલી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઇ છે. પોલીસે દરોડા પાડી નકલી દૂધ બનાવનાર શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગીર સોમનાથ SOGને બાતમી મળી હતી કે તાલાળા તાલુકાના ગુંદરણ ગામ નજીક આવેલા પ્રેમનગર નેસ વિસ્તારમાં નકલી દૂધ બનાવવામાં આવે છે અને આગળ સપ્લાય કરવામાં આવે છે. આ બાતમીના આધારે SOGની ટીમે જંગલ વિસ્તારમાં જઇ તપાસ કરતા નકલી દૂધ બનાવવાનું કામ ચાલતું હતું. SOGની ટીમે નકલી દૂધ બનાવનાર રવિ કાળાભાઇ કારમટા નામના શખ્સની અટકાયત કરી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. SOGની ટીમને ઘટનાસ્થળેથી નકલી દૂધ બનાવવા માટે વાપરવામાં આવતું પામ ઓઇલ, માલ્ટોડેક્સટ્રિન (સ્ટાર્ચ પાઉડર) અને યુરિયા જેવા જોખમી કેમિકલ્સ જપ્ત કર્યા હતા. દરોડા દરમિયાન પોલીસે 3,120 કિલો તૈયાર નકલી દૂધ, દૂધ બનાવવાનો પાઉડર, અમુલ દૂધનો પાઉડર, ગેસ સિલિન્ડર મળી કુલ 4.45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસ તપાસમાં નકલી દૂધ બનાવનારા રવિ કારમટા નામના શખ્સે જણાવ્યું કે, સવારે 3000 લીટર અને સાંજે 3000 લીટર નકલી દૂધનું વિવિધ જગ્યાએ વેચાણ કરતો હતો. પોલીસે તેની અટકાયત કરી નકલી દૂધ બનાવવાનો પાઉડર અને યુરિયા ક્યાથી લાવતા હતા અને નકલી દૂધ ક્યારથી અને ક્યા વેચતા હતા તે અંગે તપાસ ચાલુ છે. આ નકલી દૂધ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પોલીસે આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને આગામી દિવસોમાં પણ આવી ગેરકાયદે પ્રવૃતિઓ સામે કડક અભિયાન ચાલુ રાખવાની ખાતરી આપી છે.

