1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કાલાવાડમાં નકલી દૂધ બનાવવાની ફેકટરી પકડાઈ, બનાવટી દૂધ રાજકોટ મોકલાતું હતું
કાલાવાડમાં નકલી દૂધ બનાવવાની ફેકટરી પકડાઈ, બનાવટી દૂધ રાજકોટ મોકલાતું હતું

કાલાવાડમાં નકલી દૂધ બનાવવાની ફેકટરી પકડાઈ, બનાવટી દૂધ રાજકોટ મોકલાતું હતું

0
Social Share

જામનગરઃ  ગુજરાતમાં ખાદ્ય-ચિજ વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે.  ભેળસેળિયા લોકોના આરોગ્ય જોખમાય તે રીતે ભેળસેળ કરી રહ્યા છે, હવે તો કેમિકલયુક્ત બનાવટી દુધ બનાવવાના ફેક્ટરીઓ પણ પકડાઈ રહી છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરીપર મેવાસામાં બાતમીના આધારે એસઓજીની ટુકડીએ દરોડો પાડીને ડુપ્લીકેટ દુધ બનાવતી ફેકટરી ઝડપી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે, છેલ્લા ઘણા સમયથી પાવડર, વેજીટેબલ ઘી સહિતનું મિશ્રણ કરીને નકલી દુધનો વેપલો ચલાવી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવી રહયા હતા, પોલીસે રેઇડ દરમિયાન દુધનો જથ્થો સહિતની સામગ્રી જપ્ત કરી છે. બનાવટી દુધ સસ્તા ભાવે છેક રાજકોટ શહેરની ડેરીઓને પહોંચાડવામાં આવતું હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ–એસઓજીની ટીમ દ્વારા એક બાતમીના આધારે કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામમાં ડુપ્લીકેટ દુધ બનાવતી ફેકટરી પર દરોડો પાડયો હતો, પોલીસે અહીંથી દુધનો મોટો જથ્થો અને પાવડર, વેજીટેબલ ઘી, કેમિકલ, મશીનરી પેકેટ જેવી સાધન સામગ્રીઓ જપ્ત કરી હતી અને બે શખ્સને અટકમાં લીધા છે જેની આ બાબતે પુછપરછ ચાલી રહી છે. આશરે દોઢ વર્ષથી બંને શખ્સો નકલી દુધ બનાવતા હતા અને મોટાભાગનો જથ્થો રાજકોટમાં સપ્લાય કરતા હતા. ઘણા સમયથી નકલી દુધની ફેકટરી કાલાવડના હરીપર મેવાસામાં ધમધમતી હતી અને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવી રહયા હતા. રાજકોટ ઉપરાંત નકલી દુધ છુટકમાં પણ વેચાણ કરાતુ હતું રાજકોટ ખાતે અલગ અલગ હોટલો અને ડેરીમાં જથ્થો પહોચાડવામાં આવતો હતો જે દીશામાં તપાસના ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જામનગર એસઓજીની ટુકડીએ ગોકુલનગર વિસ્તારમાં બાતમીના આધારે દરોડો પાડીને દુધાળા ઢોરને અપાતા ડુપ્લીકેટ–પ્રતિબંધિત ઇન્જેકશનની ફેકટરી ઝડપી હતી અને ત્રણ ટ્રેકટર જેટલો મુદામાલ જપ્ત કરી સમગ્ર કારસ્તાનને ખુલ્લુ પાડયુ હતુ જેમા પણ પશુઓ વધુ દુધ આપે એ માટેના આ ઇન્જેકશનો છેક વાપી, વલસાડ સુધી સપ્લાય કરાતા હતા દરમ્યાનમાં  હરીપર મેવાસામાં નકલી દુધ બનાવવાની ફેકટરી પકડી પાડી હતી. દુધનો રોજીંદા જીવનમાં લોકો ખુબ જ ઉપયોગ કરે છે અને ખાસ કરીને દુધની મિલાવટ બાબતે પાણીનો ભાગ વધુ જોવા મળતો હોય છે પરંતુ આજે એસઓજીએ ખુલ્લા પાડેલા નકલી દુધના વેપલામાં પાવડર ઉપરાંત વેજી. ઘી સહિતની મિલાવટ મશીનમાં મિકસ કરાતી હોવાનુ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code