Site icon Revoi.in

વડોદરાના આકડિયાપુરા ગામમાં કાશ્મીરી ગુલાબની ખેતીથી ખેડૂતો સમૃદ્ધ બન્યા

Social Share

વડોદરાઃ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ફુલોની ખેતી થાય છે. ત્યારે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના આકડિયાપુરા ગામના ખેડુતો કાશ્મીરી ગુલાબની ખેતી કરીને વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ગામના 80 ટકાથી વધુ ખેડૂતોએ ગુલાબની ખેતી અપનાવીને અનોખી પ્રગતિ કરી છે.

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના આકડિયાપુરા ગામના 49 વર્ષીય પ્રભાતસિંહ છત્રસિંહ પઢિયાર, વેજલપુરમાં તેમના દોઢ વીઘા ખેતરમાં કાશ્મીરી ગુલાબની ખેતી કરીને સારો ફાયદો મેળવી રહ્યા છે. તેઓ છેલ્લા ચાર વર્ષથી વર્મી કમ્પોસ્ટ સ્ટાઈલની ખેતી કરે છે અને વાઘોડિયા અને વડોદરામાં ગુલાબની મીઠી સુગંધ ફેલાવે છે. ગામના પ્રભાતસિંહ નામના ખેડૂતે  1200થી વધુ કાશ્મીરી ગુલાબના છોડ રોપ્યા છે. ખાસ કરીને શિયાળા અને ચોમાસાની સિઝનમાં કાશ્મીરી ગુલાબનું ઉત્પાદન વધુ પ્રમાણમાં થાય છે.

કૃષિ વિષયના તજજ્ઞોના કહેવા મુજબ કાશ્મીરી ગુલાબનો અર્થ સામાન્ય રીતે કુદરતી રૂપે કાશ્મીરના વિસ્તારોમાં ઉગતા ગુલાબો અથવા ત્યાં ઉગાડવામાં આવતા વિશિષ્ટ જાતિના ગુલાબો થાય છે. તેનું વૈજ્ઞાનિક નામ “રોઝા દમાસ્કેના” અથવા કેટલીકવાર “રોઝા × ડામાસ્કેના ત્રિગિન્ટીપેટાલા” પણ થાય છે, જે ડેમાસ્ક ગુલાબની નજીકની જાત છે. કાશ્મીરી ગુલાબ તેના સુંદર રંગ, મનમોહક સુગંધ અને ઔષધીય ગુણધર્મો માટે જાણીતું છે. હવે તો ગુજરાતમાં પણ કાશ્મીરી ગુલાબની ખેતી ખેડૂતો કરવા લાગ્યા છે.

આકડિયાપુરા ગામના એક ખેડુતે જણાવ્યું હતું કે, પહેલાં અમે  ખેતરમાં તુવેર અને કપાસની ખેતી કરતા હતા. પણ વર્ષ 2022થી આ ગામના ખેડૂતો કાશ્મીરી ગુલાબની ખેતી તરફ વળ્યા છે. શરૂઆતમાં  નંદેસરી ગામથી ગુલાબના બીજ લાવીને ખેતી કરવાની શરૂઆત કરી હતી. કાશ્મીરી ગુલાબમાંથી બનાવાતા ગુલાબ જળ અને અત્તર ખૂબ જ કિંમતી માનવામાં આવે છે કારણ કે તેમાં કુદરતી શુદ્ધતા અને સુગંધ લાંબો સમય ટકતી હોય છે. કાશ્મીરની ઠંડી અને શુદ્ધ હવામાનના કારણે તેની ગુણવત્તા ઘણી ઊંચી હોય છે. આકડિયાપુરા ગામના ખેડૂતોની આ સફળતા અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાદાયક છે અને દર્શાવે છે કે યોગ્ય આયોજન અને સખત મહેનતથી પરંપરાગત ખેતી ઉપરાંત નવા પાકો દ્વારા પણ સમૃદ્ધિ મેળવી શકાય છે

Exit mobile version