Site icon Revoi.in

મેઘરજમાં યુરિયા ખાતર ન મળતા ખેડૂતોએ વિતરણ કેન્દ્રના તાળાં તોડી હોબાળો મચાવ્યો

Social Share

 મોડાસાઃ મેઘરજ તાલુકામાં રવિ સીઝન ટાણે જ યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તાલુકાના સંઘ વિતરણ કેન્દ્ર ખાતે યુરિયા ખાતર માટે ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો હતો. રોષે ભરાયેલા ખેડૂતોએ ગોડાઉનના તાળા તોડી નાખ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી.

મેઘરજ તાલુકામાં ખેડૂતો છેલ્લા પંદર દિવસથી યુરિયા ખાતર મેળવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા હતા.  વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા. સંઘ કાર્યાલય પર ‘રજા’નું બોર્ડ જોઈને ખેડૂતોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. ખેડૂતોએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે ગોડાઉનમાં યુરિયાનો પૂરતો સ્ટોક હોવા છતાં તેમને ખાતર આપવામાં આવી રહ્યું નથી. વધુમાં, યુરિયા રાજસ્થાન મોકલીને ત્યાં વેચવામાં આવતું હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા.

આ અંગે ખાતર વિતરણ કેન્દ્રના મેનેજરના કહેવા મુજબ આજે બે ગાડીઓનું યુરિયા સ્ટોક રિલીઝ કરવામાં આવ્યું છે. હવે ખેડૂતોને ક્રમબદ્ધ રીતે ખાતર વહેંચવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. દરમિયાન યુરિયા ખાતરની અછત, વિલંબ અને અનિયમિતતાઓને કારણે ખેડૂતોમાં ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે. આ પરિસ્થિતિ સંઘની કામગીરી અને વ્યવસ્થાપન પર ગંભીર પ્રશ્નાર્થ ઊભા કરે છે.

Exit mobile version