
ડીસાઃ બનાસકાંઠા જિલ્લામાં ઉનાળા દરમિયાન પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ હતી. પાણી માટે લોકોએ રેલીઓ અને આંદોલનો કરવા પડ્યા હતા. જિલ્લામાં ભૂગર્ભ જળ ચિંતાજનકરીતે ઊંડા જઈ રહ્યા છે. સાથે ફ્લોરાઈડનું પ્રમાણ પણ વધી રહ્યું છે. પાણીની સમસ્યાના કાયમી નિવારણ માટે વરસાદી પાણીનો પુરતો સંગ્રહ કરીને કૂવા-બોર રિચાર્જ કરવામાં આવે તો ખેડુતોને પણ ફાયદો થાય તેમ છે. હાવ બનાસકાંઠામાં ગામેગામ વરસાદી પાણીના સંગ્રહ માટે લોકોને સમજાવવામાં આવી રહ્યા છે. ત્યારે ડીસા તાલુકાના રામપુરા ગામે જળ સંચય જાગૃતિ અંગે બેઠક રાખવામાં આવી હતી. જેમાં કૂવા અને ટ્યુબવેલ રિચાર્જ અંગે સંવાદ કરાયો હતો. જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જળ સંચય અંગેની સહાય યોજનાની માહિતી આપતા 50થી વધુ ખેડૂતોએ ટ્યુબવેલ રિચાર્જ કરવાનો સંકલ્પ લીધો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ ડીસા સહિત આજુબાજુના વિસ્તારોમાં અત્યારે 800થી હજાર ફૂટ સુધી પાણીના તળ ઊંડા ઉતરી ગયા છે. તો બીજી તરફ સતત છેલ્લા ત્રણ વર્ષથી વરસાદ પણ ઓછો થતો હોવાના કારણે ખેડૂતોએ સિંચાઈ માટે પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે છે. તેવામાં ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને સમાજ સેવક પ્રવીણભાઈ માળીએ ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારના લોકોને જાગૃત કરવા માટે ઝૂબેશ હાથ ધરી છે. જે અંતર્ગત તેમણે રામપુરા ગામે ખેડૂતો સાથે ખાટલા બેઠક યોજી હતી. તેમજ સરકાર તરફથી આપવામાં આવતી સહાય અંગે પણ જાણકારી આપી હતી. સંવાદ બાદ 50થી વધુ ખેડૂતોએ તેમના ખેતરમાં નિષ્ક્રિય બનેલા ટ્યુબવેલ રિચાર્જ કરવા માટે અને વરસાદનું એક એક ટીંપાના પાણીના સંગ્રહ માટે નવ સંકલ્પ લીધો હતો.