લખનૌઃ ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં રવિવારે સવારે એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો. ખીરી પોલીસ સ્ટેશન વિસ્તારના ઓયલ કસ્બા નજીક સ્ટેટ હાઈવે પર પુરપાટ ઝડપે આવી રહેલી રોડવેઝ બસ અને ઓમની વાન વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. આ અકસ્માતમાં વાનમાં સવાર 15 મુસાફરોમાંથી 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે 10 મુસાફર ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાંથી 3 લોકોની સ્થિતિ અત્યંત ગંભીર હોવાને કારણે તેમને લખનૌના ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં એક 2 વર્ષના બાળકનું પણ મોત થયું હોવાની પુષ્ટિ થઈ છે.
માહિતી મુજબ, લખીમપુરથી લખનૌ જતા સ્ટેટ હાઈવેના એક બાજુના રોડ પર નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. જેના કારણે વાહનો એક જ બાજુના રોડ પર અવરજવર કરી રહ્યા હતા. તે દરમિયાન સીતાપુરથી લખીમપુર તરફ જતી ઓમની વાન અને લખીમપુરથી લખનૌ તરફ જતી બસ આમને-સામને અથડાઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતા લખીમપુર ખીરી જિલ્લાના ડીએમ દુર્ગા શક્તિ નાગપાલ અને એસપી તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે ઘાયલોની સ્થિતિની માહિતી મેળવી અને સારવારમાં કોઈ કચાશ ન રહે તે માટે ડોક્ટરોને જરૂરી સૂચનાઓ આપી હતી.
ડીએમએ જણાવ્યું કે રસ્તાની કામગીરી દરમિયાન આ દુર્ઘટના બની છે. અકસ્માત બાદ વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.