લીમા : પેરુમાં લીમાથી એમેઝોન પ્રદેશ જઈ રહેલી બસ એન્ડીઝ પર્વતમાળામાં હાઇવે પર પલટી ગઈ હતી, જેમાં ઓછામાં ઓછા 18 લોકો માર્યા ગયા અને 48 અન્ય ઘાયલ થયા હતા. જુનિન હેલ્થ ડિરેક્ટર ક્લિફર કુરિપાકોએ પત્રકારોને જણાવ્યું હતું કે ‘એક્સપ્રેસો મોલિના લિડર ઇન્ટરનેશનલ’ કંપનીની ‘ડબલ-ડેકર’ બસ જુનિન પ્રદેશના પાલ્કા જિલ્લામાં રસ્તા પરથી લપસીને ઢાળ નીચે પડી ગઈ હતી.અધિકારીઓ અકસ્માતના કારણની તપાસ કરી રહ્યા છે.
સ્થાનિક ટેલિવિઝન ચેનલો પર પ્રસારિત થયેલા વીડિયોમાં, બસ બે ભાગમાં તૂટેલી જોવા મળે છે અને ફાયર વિભાગ અને પોલીસકર્મીઓ ઘાયલોને બચાવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. અગાઉ 3 જાન્યુઆરીએ પણ એક બસ નદીમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા અને 32 ઘાયલ થયા હતા. એટર્ની જનરલ ઓફિસ દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બેદરકારીપૂર્વક વાહન ચલાવવું અને ડ્રાઇવરો દ્વારા વધુ પડતી ઝડપ પેરુમાં અકસ્માતોના મુખ્ય કારણો છે.